Get The App

લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી 1 - image


રૃપાલના વ્યક્તિને કાર વેચવાની હોવાનું કહી

રૃપિયા આંગડિયા મારફતે મોકલી આપ્યા બાદ ફોન બંધ કરી દીધો ઃ કાર માલિક પણ ફરી જતા ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના લીંબોદરા ગામમાં રહેતા કાર બ્રોકર સાથે વડોદરામાં રહેતા ગઠીયા દ્વારા ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. રૃપાલના વ્યક્તિને કાર વેચવાનું હોવાનું કહીને ત્રણ લાખ રૃપિયા આંગડિયા પેઢીથી લઈ લીધા બાદ ફોન બંધ કરી દીધો હતો. આખરે આ અંગે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામમાં રહેતા અને કાર લે વેચનો વ્યવસાય કરતા કલ્પેશ રમેશભાઈ ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત ૯ સપ્ટેમ્બરના રોજ તેમની ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે જૈમીન પટેલ તરીકે પોતાની ઓળખ આપી હતી અને હાલ વડોદરા ખાતે નવી ગાડીઓનો શોરૃમ ધરાવતો હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, રૃપાલ ગામમાં રહેતા મહેશભાઈ જોશીને નવી કાર ખરીદવાની છે. જોકે તેમની જૂની કાર એક્સચેન્જમાં આપવાની છે જે કાર તમે જોઈ આવો અને ભાવ નક્કી કરી લો. જેના પગલે કલ્પેશભાઈ એ તેમના ભાગીદાર રોહિત ચૌધરીને આ કાર જોવા માટે મોકલ્યા હતા અને ત્યારબાદ તેમણે કાર અને ડોક્યુમેન્ટ તપાસીને ૩.૧૭ લાખ રૃપિયાનો ભાવ નક્કી કર્યો હતો. રકમ નક્કી થઈ ગયા પછી કારની ડીલીવરી રૃપાલ ગામમાંથી જ લેવાની હતી. જોકે જૈમીને ત્રણ લાખ રૃપિયા આંગડિયા પેઢીથી મંગાવી લીધા હતા. જે ટ્રાન્સફર કરાવી દેવામાં આવ્યા હતા અને વેચાણ ખત બનાવવા માટે બંનેના આધારકાર્ડ પણ મંગાવ્યા હતા. જોકે રૃપિયા ઉપડી ગયા બાદ જૈમીન પટેલે તેનો ફોન બંધ કરી દીધો હતો અને વોટ્સઅપના મેસેજ પણ ડીલીટ કરી દીધા હતા ત્યારે આ સંદર્ભે રૃપાલના મહેશભાઈને પૂછતા તેમણે કહ્યું હતું કે વડોદરામાં તેમનો કોઈ ભાઈ નથી અને જૈમીન પટેલને તે ઓળખતા પણ નથી તેમને નવી કાર લેવાની નથી અને આ કાર પેટે પચાસ હજાર વધારે આપવાનું કહેતા તેના કહેવા પ્રમાણે મેં આ વાર્તા કરી હતી. જેથી હાલ પેથાપુર પોલીસ દ્વારા વડોદરાના જૈમીન પટેલ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Tags :