અષાઢી બીજના દિવસે કચ્છમાં નૈઋત્યના ચોમાસાનું આગમન
- રાજ્યમાં સાત દિવસથી સ્થિર ચોમાસુ માત્ર કચ્છ તરફ આગળ વધ્યું
- સૌરાષ્ટ્રને અત્યાર સુધી ચોમાસાથી વધુ સાયક્લોનિક સીસ્ટમ વધારે ફળી, રાજકોટમાં ધુપછાંવ વચ્ચે વરસાદી ઝાપટાં, ચોમાસુ હજુ મંદ
રાજકોટ, તા. 23 જૂન 2020, મંગળવાર
તા.૧ જૂને દેશમાં કેરલથી પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ તા.૧૫ જૂનના ગુજરાત-સૌરાષ્ટ્રમાં પહોંચ્યા બાદ તે પૂરા એક સપ્તાહથી મંદ પડીને અટકી ગયું હતું પરંતુ, આજે અષાઢી બીજના પાવન દિવસે કે જ્યારે કચ્છી નવુ વર્ષ પણ છે તે દિવસે તે અમદાવાદથી ઉત્તર તરફ નહીં બલ્કે માત્ર કચ્છ તરફ આગળ વધીને હવે ભૂજ સહિત આ મુલકમાં પણ ચોમાસાનો સત્તાવાર પ્રવેશ થયો છે.
હવામાન ખાતાના સૂત્રો અનુસાર નૈઋત્યનું ચોમાસુ આજે અમદાવાદ સુધી તો યથાવત્ છે પરંતુ, આજે કચ્છમાં અને અરબી સમુદ્રમાં સક્રિય થયું છે. આને પગલે કચ્છમાં આજે કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો. આગામી બે દિવસમાં ચોમાસુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં આગળ વધશે તેવી શક્યતા છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં ચોમાસાનો વ્યાપકપણે વરસતા વરસાદનો હજુ વિશેષ લાભ મળ્યો નથી પરંતુ, સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વાવણી પણ થઈ છે. સૌરાષ્ટ્ર પર અને હાલ દક્ષિણ ગુજરાત પર હવાની ચક્રાકાર ગતિ છે જેનાથી વરસાદની શક્યતા છે. આજે રાજકોટમાં પણ બપોર સુધી તડકાં બાદ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા તો ગઈકાલે પણ રાજકોટમાં અર્ધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન ખાતાએ આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.