ઘુડખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પથી જાગૃતિનો પ્રયાસ
૩૩ જાતના પ્રાણી, ૧૫૨ જાતના પક્ષીઓની હાજરીથી માહોલ જીવંત બન્યો, પ્રવાસીઓમાં આનંદ
ધ્રાંગધ્રા -શિયાળાની ઋતુ જામતા કચ્છના નાના રણ તેમજ ધ્રાંગધ્રાના
રણકાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૃ થયું છે. યુરોપ સહિતના દેશોમાં પડતી
કડકડતી ઠંડી અને બરફવર્ષાના કારણે હજારો કિલોમીટરનું અંતર કાપીને સ્થળાંતર કરનારા
અનેક જાતના પક્ષીઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અંદાજે ૪૯૫૩ ચોરસ
કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું કચ્છનું નાનું રણ શિયાળામાં પક્ષીપ્રેમીઓ માટે
સ્વર્ગ સમાન બની જાય છે.
હાલ ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલ્કન, રણ
ચકલી, નાઈટ જાર સહિતના અનેક દુર્લભ સહિત ૧૫૨ જેટલાં આકર્ષક
પક્ષીઓ જોવા મળે છે. અનુકૂળ હવામાન, પૂરતો ખોરાક અને સલામત
વસવાટના કારણે આ પક્ષીઓ ચાર મહિના જેટલો સમય અહીં રોકાય છે. વિદેશી પક્ષીઓના
આગમનથી રાજ્ય તેમજ દેશ-વિદેશમાંથી પર્યટકોની મોટી ભીડ ઉમટી રહી છે અને પક્ષી દર્શન
ખાસ આકર્ષણ બન્યું છે.
કચ્છના નાના રણમાં એશિયામાં કયાંય જોવા ન મળતા દુર્લભ ઘુડખર પ્રાણી જોવા
મળે છે. છેલ્લે ૨૦૨૪માં હાથ ધરાયેલી ગણતરી મુજબ ઘુડખરોનીની વસ્તીમાં પાંચ વર્ષમાં
૨૬ ટકા વધારો નોંધાઇને ૭૬૭૨એ પહોંચી હતી. આ વિસ્તારમાં ઘુડખર ઉપરાંત ઝરખ, વરૃ,
રણલોંકડી, કાળીયાર, સસલા,
ચિંકારા, નિલગાય, જંગલી
ભૂંડ, ભારતીય શિયાળ સહીત ૩૩ જાતના વન્ય પ્રાણીઓ પણ જોવા મળે
છે.
રણ વિસ્તાર અને વન્યજીવન અંગે જાગૃતિ લાવવા ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય
દ્વારા નિઃશુલ્ક નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બજાણા
રેન્જના ટૂંડી ટાવર તથા ધ્રાંગધ્રા રેન્જના જેસડા વિસ્તારમાં યોજાયેલા આ કેમ્પમાં
એક મહિના દરમિયાન આશરે ૪૦ શિબિરો યોજાઈ હતી. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને વન્ય
પ્રાણી, પક્ષીઓ, વૃક્ષોની ઓળખ, પર્યાવરણ
સંરક્ષણ અને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


