Get The App

વડોદરામાં કમાટીબાગ ઝુમાં રીંછ, વનિયર અને શિયાળનું આગમન

Updated: Oct 26th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં કમાટીબાગ ઝુમાં રીંછ, વનિયર અને શિયાળનું આગમન 1 - image


Vadodara Kamati Baug Zoo : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ સ્થિત ઝૂમાં ગયા અઠવાડિયે વાઘ અને વાઘણની જોડીનું આગમન થયા બાદ પ્રવાસીઓમાં આકર્ષણ વધારવા રીંછનું આગમન થયું છે. રીંછની સાથે સાથે વનિયર અને શિયાળ પણ લાવવામાં આવ્યું છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ રીંછને વડોદરાના ઝુમાં સુરતથી લાવવામાં આવ્યું છે. બે વર્ષ અગાઉ કમાટીબાગમાં હિમાલય રીંછનું ઉંમરને લીધે મૃત્યુ થયું હતું, ત્યારથી અહીં એક પણ રીંછ ન હતું. વર્ષ 2022ની તારીખ 30 જૂને હિમાલય રીંછના શ્વાસ ધીમા પડી ગયા હતા, અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. રીંછની ઉંમર આશરે 33 વર્ષની હતી. જે  એક આંખે બરાબર જોઈ શકતું હતું. બીજી આંખે તેને મોતિયો થઈ ગયો હતો. હિમાલયન રીંછ વર્ષ 2008માં વડોદરા લાવવામાં આવ્યું હતું. રીછ શિડયુલ એકનું જાનવર છે. હિમાલયન રીંછના મરણ બાદ વડોદરા ઝૂ સત્તાધીશો રીંછની જોડી લેવા પ્રયત્નશીલ બન્યા હતા.

ઝુ ક્યુરેટર ડો.પ્રત્યુષ પાટણકરએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એક રીંછની મંજૂરી આપતું નથી. તે જોડીની જ પરવાનગી આપે છે. વડોદરા કોર્પોરેશનને રીંછ માટે ઝુ ઓથોરિટીએ શરતી મંજૂરી આપી છે. વડોદરામાં પિંજરા તૈયાર પણ હતા પણ રીંછ ન હતું. વડોદરા આવેલું રીંછ માદા છે, અને છ થી આઠ મહિનામાં નર રીંછને વડોદરા લાવવા બાંયધરી આપવામાં આવી છે. જેસોર, અરવલ્લી પટ્ટો, બનાસકાંઠા, રત્નમહાલ અને કેવડીયાનો જંગલ વિસ્તાર રીંછનું કુદરતી આશ્રય સ્થાન છે. સુરતથી જે રીંછ લાવવામાં આવ્યું છે તે સ્લોથ બેર છે એટલે કે ગુજરાતના જંગલોમાં જોવા મળતું રીંછ છે. સુરતને આના બદલામાં પોપટની જોડીઓ ઉપરાંત નીલગાય તથા ટપકાવાળા હરણ આપવામાં આવશે. ઝુમાં આ ઉપરાંત બગલા, પેન્ટેડ સ્ટ્રોક અને કાંકણસાર પણ પક્ષીઓ લાવવામાં આવ્યા છે. આના સિવાય વનિયર પ્રાણી લાવવામાં આવ્યું છે. જે નિશાચર પ્રાણી છે, તેને તાડ બિલાડી કહી શકાય છે. સુરતમાં આ રીંછને 'સિદ્ધિ' નામ આપવામાં આવ્યું હતું. વડોદરામાં પણ તે આ જ નામથી ઓળખાશે. ઝુમાં રીંછને હમણાં પ્રદર્શિત નહીં કરાય. ઝૂના નિયમ અનુસાર તેને હાલમાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે. વડોદરાના વાતાવરણથી ટેવાયા બાદ દિવાળી પછી સહેલાણીઓ તેને નિહાળી શકશે.

Tags :