Get The App

ગુજસીટોકમાં ગોંડલ સબ જેલના તત્કાલીન જેલરની ધરપકડ

- કુખ્યાત નિખિલ દોંગા આણી ટોળકી માટે જેલને ઘર બનાવી દેનાર

- જેલના દસ્તાવેજોમાં ચેડાં કર્યાનું બહાર આવતા ફોર્જરીની કલમનો પણ ઉમેરો

Updated: Dec 26th, 2020

GS TEAM

Google News
Google News
ગુજસીટોકમાં ગોંડલ સબ જેલના તત્કાલીન જેલરની ધરપકડ 1 - image

રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2020, શુક્રવાર

ગોંડલ સબજેલમાં બેઠા-બેઠા ગેંગ બનાવી ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવનાર કુખ્યાત નિખિલ દોંગા માટે ગોંડલ સબજેલને 'ઘર'માં તબદીલ કરનાર ગોંડલ સબજેલના તત્કાલીન  જેલર અને હાલ સસ્પેન્ડેડ ધીરૂભાઈ કરસનભાઈ પરમાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) ની પણ ગુજસીટોક હેઠળ ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.  કોઈ જેલરની ગુજસીટોક હેઠળ ધરપકડ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. સાત દિવસના રિમાન્ડ પર, અગાઉ જ સસ્પેન્ડ કરી દેવાયા હતા ખૂન જેવા ગંભીર ગુનામાં ગોંડલ સબ જેલમાં રહેલા નિખિલ દોંગાએ ટોળકી બનાવી સંખ્યાબંધ ગુના આચર્યા હતા. તેના કરતૂતો બહાર આવ્યા બાદ ગુજસીટોક હેઠળ ગુનો  દાખલ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ ટોળકીના ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓ આજની તારીખે પણ વોન્ટેડ છે. થોડા સમય પહેલાં ગોંડલ સબજેલમાં જેલ વડાની જડતી સ્કવોડના સ્ટાફે જ્યારે દરોડો પાડયો ત્યારે નિખિલ દોંગા અને તેના સાગરીતોને અનેક સવલતો મળતી હોવાનો  પર્દાફાશ થયો હતો. જેના આધારે ગોંડલ પોલીસમાં પ્રીઝન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલર ધીરૂ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. તેણે જેલના દસ્તાવેજોમાં ચેડાં કર્યાનું  પણ બહાર આવતા ફોર્જરીની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. 

ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નિખિલ દોંગા આણી ટોળકીની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, નિખિલ દોંગાને ગોંડલ સબજેલમાં મોબાઈલ, ટિફિન અને બીજી તમામ  સવલતો પૂરી પાડવામાં આવતી હતી. એટલું જ નહીં જેલર ધીરૂ પરમારે પોતાની ચેમ્બરની બાજુના રૂમો પણ નિખિલ દોંગાને આપી દીધા હતા. જ્યાંથી તે પોતાની ગેંગ  ઓપરેટ કરી તેમની મારફત ગુના કરાવતો હતો.  તેની ગેંગના સાગરીતો તેને મળવા ગમે ત્યારે જેલમાં જઈ શકતા હતા. આ બધુ જેલર ધીરૂ પરમારની મહેરબાનીને કારણે થઈ શકતું હતું. જેથી તેની પણ ગુજસીટોક હેઠળ  ધરપકડ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે પ્રીઝન એક્ટ સહિતના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરાઈ હતી.  ત્યારબાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં ૧૨ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરાતા તા.૧ જાન્યુઆરી,૨૦૨૧ સુધી સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. તપાસ કરતા  પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તેણે જેલમાં નિખિલ દોંગા આણી ટોળકીને બીજી કઈ-કઈ સગવડો આપી હતી, બદલામાં તેને શું આર્થિક લાભ થતો હતો તે સહિતના મુદ્દે હવે તપાસ કરવામાં આવશે.