રાહદારી બાળાની છેડતીનો વિડીયો વાયરલ કરનાર પત્રકારને વિડીયો આપનાર અન્ય પત્રકારની ધરપકડ
ધો.6 માં ભણતી 12 વર્ષની બાળા ટ્યુશનેથી ઘરે જતી હતી ત્યારે રસ્તામાં શ્રમિકે તેની જાહેરમાં છેડતી કરી હતી
સીસીટીવી કેમેરામાં કેદ ઘટનાના વિડીયોને બાળા અને પરિવારની જાણ બહાર તેમની ઓળખ છતી થાય તે રીતે વાયરલ કરનાર ફ્રીલાન્સ પત્રકાર વિરુદ્ધ પણ ફરિયાદ થઈ હતી
- ધો.6 માં ભણતી 12 વર્ષની બાળા ટ્યુશનેથી ઘરે જતી હતી ત્યારે રસ્તામાં શ્રમિકે તેની જાહેરમાં છેડતી કરી હતી
- સીસીટીવી કેમેરામાં કેદ ઘટનાના વિડીયોને બાળા અને પરિવારની જાણ બહાર તેમની ઓળખ છતી થાય તે રીતે વાયરલ કરનાર ફ્રીલાન્સ પત્રકાર વિરુદ્ધ પણ ફરિયાદ થઈ હતી
સુરત, : સુરતના સિંગણપોર વિસ્તારમાં ચાલતી જતી બાળાની છેડતીનો વિડીયો બાળા અને પરિવારની જાણ બહાર તેમની ઓળખ છતી થાય તે રીતે વાયરલ કરનાર ફ્રીલાન્સ પત્રકારને વિડીયો આપનાર પત્રકારની સિંગણપોર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
સુરતના સિંગણપોર વિસ્તારમાં ધો.6 માં ભણતી 12 વર્ષની બાળા જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડીયામાં ટ્યુશનેથી ઘરે જતી હતી ત્યારે રસ્તામાં શ્રમિકે તેની જાહેરમાં છેડતી કરી હતી.બાળાની બદનામીની બીકે ફરિયાદ નહીં કરનાર પરિવારની જાણ બહાર સીસીટીવી કેમેરામાં કેદ ઘટનાના વિડીયોને તેમની ઓળખ છતી થાય તે રીતે વાયરલ થતા સિંગણપોર પોલીસે બાળાના પિતાની ફરિયાદના આધારે છેડતી કરનાર શ્રમિક અને તેનો વિડીયો વાયરલ કરનાર ફ્રીલાન્સ પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધી શ્રમિકની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.દરમિયાન, પોલીસે ઘટનાનો વિડીયો વાયરલ કરનાર ફ્રીલાન્સ પત્રકાર તુષાર બસીયા અને આ બનાવ અંગે ફેસબુક લાઈવ કરનાર બે વ્યક્તિની પુછપરછ કરી હતી.
તેમની પુછપરછમાં વિડીયો તેમને સુરતમાં લોકલ ન્યુઝ ચેનલ ચલાવતા પત્રકાર વંદન ભાદાણીએ આપ્યો હોવાનું જણાવ્યું હતું.આથી સિંગણપોર પોલીસે આજરોજ તેને પુછપરછ માટે બોલાવી બાદમાં તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.