Get The App

વડોદરામાં ગણેશજીની 50000 પ્રતિમા વિસર્જન થાય તેવી વ્યવસ્થાઃ11 કૃત્રિમ તળાવોમાં આજે વિસર્જનઃ4000 પોલીસ તૈનાત

SRP-9 કંપની, BSF,CRP અને RAF જેવા અર્ધ લશ્કરી દળો તૈનાતઃ5000 કેમેરાથી યાત્રાઓ પર નજર

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ગણેશજીની 50000 પ્રતિમા વિસર્જન થાય તેવી વ્યવસ્થાઃ11 કૃત્રિમ તળાવોમાં આજે વિસર્જનઃ4000 પોલીસ તૈનાત 1 - image

વડોદરાઃ વડોદરામાં ભારે  ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ રહેલા ગણેશોત્સવની આવતીકાલે શનિવારે પૂર્ણાહુતિ થનાર હોવાથી શહેર પોલીસ,કોર્પોરેશન અને અન્ય વહીવટી વિભાગો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આવતીકાલે અનંત ચતુર્દશીએ ગણપતિ બાપ્પા વિદાય લેનાર હોવાથી ઠેરઠેર તેમની વાજતે ગાજતે વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવનાર છે.જેને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેશન સહિતના વિભાગો સાથે સંકલન કરીને ૧૧ કૃત્રિમ તળાવો પર ક્રેન,તરાપા,તરવૈયા,લાઇટ,ટ્રાફિક સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉપરોક્ત તળાવોમાં ગણેશજીની નાની- મોટી ૫૦ હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન થઇ શકે તેવી ક્ષમતા રાખીને વ્યવસ્થા ઉભી કરાઇ છે.તો બીજીતરફ પોલીસ દ્વારા બહારથી ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.

બીએસએફ,એસઆરપીની ૯ કંપની, આરએએફ અને સીઆરપીએફ જેવા અર્ધ લશ્કરી દળો,શહેર પોલીસના તમામ અધિકારીઓ,પોલીસ જવાનો,હોમગાર્ડ, મહિલા પોલીસ સહિત ૪ હજારથી વધુ પોલીસ બંદોબસ્ત જાળવશે.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કહ્યું હતું કે,પોલીસ અને કોર્પોરેશનના ૨૩૦૦ કેમેરા,ડ્રોન કેમેરા ઉપરાંત ખાનગી કેમેરાઓનો પણ વિસર્જન યાત્રાઓ પર નજર રાખવા ઉપયોગ કરવામાં આવશે.જ્યારે,હાઇરાઇઝ પોઇન્ટ,ડીપ પોઇન્ટ,ઘોડેશ્વાર પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ મોડી રાત સુધી બંદોબસ્ત જાળવશે.

તળાવથી દૂર DJ સિસ્ટમ છૂટી કરવી પડશે,કુદરતી તળાવો-નદી પર પ્રતિબંધ

ડીજે સિસ્ટમ માટે પોલીસ દ્વારા ગણેશ મંડળો માટે દિશાનિર્દેશ સૂચવ્યા છે.જેમાં તેમને નિર્ધારિત રૃટ નહિ બદલવા કહેવાયું છે.આ ઉપરાંત કુદરતી તળાવો અને નદીમાં વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જ્યારે, કૃત્રિમ તળાવો વિશે જે તે વિસ્તારના મંડળોને સમજ આપવામાં આવી છે.મંડળોને તળાવથી દૂર જ ડીજે સિસ્ટમને અલગ કરી દઇ રવાના કરી દેવા કહેવાયું છે.

દરેક તળાવો ઉપર 10  થી 12 તરવૈયા અને 103 તરાપા

વડોદરામાં ગણેશજીની 50000 પ્રતિમા વિસર્જન થાય તેવી વ્યવસ્થાઃ11 કૃત્રિમ તળાવોમાં આજે વિસર્જનઃ4000 પોલીસ તૈનાત 2 - image
file
દરેક તળાવ ઉપર ફાયર બ્રિગેડ દ્વારા ૧૦ થી ૧૨ જેટલા તરવૈયા અને ફાયર મેન મુકવામાં આવ્યા છે.જ્યારે,કોર્પોરેશન દ્વારા કુલ ૧૦૩ તરાપા પણ તળાવો માટે ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત દરેક તળાવ પર ક્રેન અને પૂજાપો ઉઘરાવતા વાહનોની પણ વ્યવસ્થા રખાઇ છે.

શહેરમાં ૨૩ સ્થળે ટ્રાફિક ડાઇવર્ટ,કામ હોય તો જ બહાર નીકળવા અપીલ

શહેર પોલીસ દ્વારા શ્રીજી વિસર્જન યાત્રા નિમિત્તે ૨૩ સ્થળે ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.પોલીસ કમિશનરે લોકોને ખાસ કામ હોય તો જ નીકળવા અપીલ કરી છે અને તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાને અનુસરવા અપીલ કરી છે.

ક્યા ક્યા તળાવોમાં શ્રીજી વિસર્જન

- નવલખી તળાવ- કુબેશ્વર સામે,એસએસવી સ્કૂલ પાસે- હરણી-સમા રોડ

- દશામા તળાવ,ગોરવા- ખોડિયાર નગર,જિઓ  પંપ પાસે

- લેપ્રેસી ગ્રાઉન્ડ પાસે,આજવારોડ- માંજલપુર સ્મશાન પાસે

- કિશનવાડી અર્બન હેલ્થ સેન્ટર પાસે- બીલ ગામ

- તરસાલી સર્કલ પાસે- મકરપુરા

મહેતાપોળની વિસર્જન યાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક,આર્મીની ત્રણ બહાદૂર મહિલા ઓફિસરની હમશકલ દેખાશે


વડોદરામાં ગણેશજીની 50000 પ્રતિમા વિસર્જન થાય તેવી વ્યવસ્થાઃ11 કૃત્રિમ તળાવોમાં આજે વિસર્જનઃ4000 પોલીસ તૈનાત 3 - image
file
શ્રીજી વિસર્જન યાત્રા દરમિયાન મહેતાપોળની સવારી દરવર્ષે અલગ ભાત પાડતી હોય છે.આ વખતે તેમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવાશે.

માંડવી પાસે મહેતાપોળમાંથી નીકળતી યાત્રામાં પર્યાવરણને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે અને વર્ષોથી અબીલ- ગુલાલને બદલે ૨૦૦ કિલોથી વધુ ફૂલોની વર્ષા કરવામાં આવે છે.

આ ઉપરાંત આ વખતે ઓપરેશન સિંદૂરનો ફ્લોટ મુકાશે.જેમાં કર્નલ સોફિયા કુરેશી,મેજર વ્યોમિકા સિંઘ અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી જેવી દેખાતી મહિલાઓ યુનિફોર્મમાં જોવા મળશે.શણગારેલી પાલખીમાં બિરાજમાન શ્રીજીનું પોળમાં તૈયાર કરાયેલા કુંડમાં શ્રીજીનું વિસર્જન કરાશે.યાત્રામાં પાઘડીધારી યુવકો,વેશભૂષા ધારી બાળકો અને એક સરખા વસ્ત્રોમાં પરિધાન મહિલા અને યુવતીઓ  પણ રંગ જમાવતા હોય છે.

Tags :