રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા 'ન ઘરના ન ઘાટના' !
શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનાં નંદીની અવદશા વર્ષે 100થી વધુ અકસ્માતો માટે નિમિત્ત બનતા, 240થી વધુ લોકોને શિંગડે ભરાવતા આખલાને સાચવવા સરકારથી માંડીને ગ્રામ પંચાયત સુધી જવાબદારીની ફેંકાફેંક
રાજકોટ, : હાલ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની આરાધનામાં ભક્તજનો ઓતપ્રોત છે, પણ તેમના નંદીની અવદશા તરફ કોઈનું ધ્યાન જતું નથી. માત્ર રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 70,000થી વધુ ખૂંખાર ખૂંટિયાની 'ન ઘરના ન ઘાટના' જેવી હાલત છે. દર વર્ષે 100થી વધુ અકસ્માતો માટે નિમિત બનતા, 240થી વધુ લોકોને શિંગડે ભરાવીને મોત કે ઈજા કરતા આખલાને સાચવવા સરકારથી માંડીને ગ્રામ પંચાયત સુધી જવાબદારીની ફેંકાફેંક થઈ રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયતનાં આંકડા પ્રમાણે, વર્ષ 2019માં પશુ ગણતરી કરવામાં આવી હતી ત્યારે 11 તાલુકામાં 24,675 ખૂંટિયા નોંધાયા હતા. જે સંખ્યા આજે 70,00 સુધી પહોંચી ગઈ હોવાનો અંદાજ લગાવીને નાયબ પશુપાલન નિયામકને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજે રાજકોટ જિલ્લાનાં 598 ગામડાં છે, એ દરેકમાં 25થી લઈને 75 જેટલા ખૂંખાર ખૂંટિયા દિવસ-રાત નધણિયાતા ખૂલ્લા ફરી રહ્યા છે. આ આખલા રાત્રે ખેડૂતોના ખેતરોમાં ત્રાટકે છે અને ઉભા પાકનો સોંથ વાળી દે છે. જ્યારે દિવસે જાહેર માર્ગો, બજારો, શેરી-મહોલ્લામાં અડિંગો જમાવીને અકસ્માત સર્જવા કે રાહદારીઓને ઢીંકે ચડાવવા જેવા જેવો આતંક મચાવે છે. આ બાબતે વહેલીતકે યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે. કારણ કે, સરકારથી માંડીને ગ્રામ પંચાયતો આજે આખલાને સાચવવાની જવાબદારીની ફેંકાફેંક કરી રહી છે.
ગૌશાળા સંચાલકોની ફરિયાદ છે કે, પશુદીઠ સરકાર દ્વારા ફક્ત રૂા. 30 આપવામાં આવે છે એ અપુરતા છે. આજે ઘાસચારા સહિતના પશુઆહારના ભાવ ખૂબ વધી ગયા છે. એમાં પણ ખૂંટિયાને સાચવવા ખૂબ અઘરા પડે છે. પશુ નિભાવ સહાયનું ચુકવણું પણ ખૂબ અનિયમિત છે. સરકાર માત્ર સહાય યોજના જાહેર કરીને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે, તેની કેટલી અને કેવી રીતે અમલવારી થાય છે એ તરફ પણ ધ્યાન આપવું જોઈએ.