કેદારનાથ યાત્રામાં ગુજરાતના આશરે 500 યાત્રિકો અટવાયા
ભારે વરસાદ- ભૂસ્ખલનથી ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં વિક્ષેપ : સૌરાષ્ટ્રનાં 250 થી વધુ યાત્રિકોને વિઘ્ન, 488 લોકોનાં ગ્રુપ સહિતને ગૌરીકુંડ પાસે અટકાવાયા : હજુ ભારે વરસાદથી હરિદ્વારથી ટૂર પણ બંધ
રાજકોટ, : ઉત્તરાખંડના કેદારનાથ,બદ્રીનાથ,ગંગોત્રી, યમનોત્રી એ ચારધામની યાત્રામાં ભારે તોફાની વરસાદથી મોટુ વિઘ્ન આવ્યું છે. યાત્રિકોનો સંપર્ક સાધતા ગુજરાતમાંથી અંદાજે 500 યાત્રિકો ગઈકાલે સાંજે કેદારનાથ દર્શન કરીને પરત આવતા હતા ત્યારે રસ્તામાં ભુસ્ખલનથી માર્ગ બંધ થઈ જતા તંત્રની સૂચના અન્વયે યાત્રાને અટકાવી દેવાઈ હતી અને આજુબાજુની હોટલમાં આશરો લેવાયો હતો. રાજકોટ કલેકટર તંત્ર અનુસાર 47 લોકોનાં એક યાત્રિક સાથે સંપર્ક કર્યો છે યાત્રા અટકી હતી પરંતુ બધા સલામત છે.
રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગરથી 47 યાત્રિકોનું એક ગ્રૂપના ધીરૂભાઈ ચીકાણીએ જણાવ્યું કે ગઈકાલે બપોર બાદ ત્રણેક વાગ્યે કેદારનાથથી 20 કિ.મી.અંતરે નીચાણવાળા વિસ્તારમાં ગૌરીકુંડથી સોનપ્રયાગ વચ્ચેના રસ્તે ભારે વરસાદથી માર્ગ બંધ થઈ ગયો હતો,રાજકોટ શહેરના જ અન્ય પચાસેક યાત્રિકો સહિત સૌરાષ્ટ્રના 250થી વધુ યાત્રિકો પણ હતા. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલો નથી પરંતુ, યાત્રાને સ્થગિત કરી દેવાઈ હતી. આજે પગપાળા રસ્તો ખુલ્યો હતો અને સોનપ્રયાગ પહોંચી શક્યા હતા અને બાદમાં ગુપ્તકાશી સહિત નિયત સ્થળોએ યાત્રિકો પહોંચી શક્યા છે.
વધુમાં સ્થળ પર રહેલા યાત્રિકે જણાવ્યું કે આજે પણ અતિશય ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે, ચારધામથી માંડીને હરિદ્વાર, ઋષિકેશ, મસુરી સહિત વિસ્તારમાં ભારે વરસાદનો માહૌલ છે અને ટેક્સી સહિત વાહનો ત્યાંથી ઉપડતા નથી.