વડોદરા, તા.24 મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર લાયસન્સ બનાવી તેના પર હથિયારો ખરીદી સિક્યુરિટીની નોકરી કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ શખ્સો શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો સાથે દુમાડ ચોકડીથી નેશનલ હાઇવેની બાજુમાં હોટલ રોયલ પેલેસના ચોથા માળે રોકાયા છે તેવી માહિતીના આધારે વડોદરા શહેર તેમજ જિલ્લાની ક્રાઇમ બ્રાંચ દ્વારા હોટલની રૃમમાં તપાસ કરતા અમિતકુમાર શ્રીકાન્તકુમાર હીન્નરીયા (રહે.લહાર, જિલ્લો ભીંડ, મધ્યપ્રદેશ) તેમજ રવિ બિરેન શર્મા (રહે.મોહનપુરા, તા.લહાર, જિલ્લો ભીંડ, મધ્યપ્રદેશ) અને સોમ મંગલપ્રસાદ ચોરસીયા (રહે.લહાર, જિલ્લો ભીંડ, મધ્યપ્રદેશ) મળ્યા હતાં.
રૃમમાંથી અમિત પાસેથી એક પિસ્તલ, બાર બોરની ગન તેમજ પિસ્તલના કાર્ટિસ ૧૭ નંગ અને બારબોરના કાર્ટિસ ૨૨ નંગ તેમજ રવિન પાસેથી એક પિસ્તલ તેના ૧૭ કાર્ટિસ તેમજ ખાલી કાર્ટિસ ૪ અને ખાલી મેગેઝીન મળી કુલ રૃા.૭.૬૬ લાખનો હથિયારોનો મુદ્દામાલ મળ્યો હતો. બંને પાસેથી હથિયાર લાયસન્સ પણ મળ્યા હતાં. અમિત સહિત ત્રણેની પૂછપરછ કરતાં તેઓ સિક્યુરિટીની નોકરીની શોધમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
અમિતકુમાર અને રવિએ પોતાનું લાયસન્સ ભીંડ કલેક્ટર કચેરી ખાતેથી મેળવ્યું હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસ દ્વારા ભીંડ કલેક્ટર કચેરી પાસે વેરિફિકેશન કરાવતા અમિતનું લાયસન્સ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયું જ નથી તેમજ તેનું મૂળ પ્રકરણ પણ નહી હોવાથી તે લાયસન્સ બોગસ હોવાનું ખૂલ્યું હતું. મહત્વની બાબત એ છે કે અમિતે આ બોગસ લાયસન્સથી ઇટાવા ખાતેના ગન હાઇસમાંથી હથિયારો પણ ખરીદ્યા હતાં. ઉપરોક્ત વિગતોનો પર્દાફાશ થયા બાદ જિલ્લા એલસીબીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં અમિતકુમાર સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ પૂછપરછ માટે અમિતને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં.


