જૂનાગઢ યાર્ડમાં કેરીની આવક રોકવાના મનસ્વી નિર્ણયના ધજાગરા થયા
જંગી આવક સમયે જ વ્યવસ્થાના અભાવે યાર્ડ બંધ રાખવા સામે વિરોધ : ભારે વરસાદ અને પવનની આગાહીના કારણે ખેડૂતોએ કેરી ઉતારી લીધી છે : વેપારીઓએ મક્કમ રહીને આવક ચાલુ જ રખાવી
જૂનાગઢ, : જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં વરસાદની આગાહીના કારણે કેરીનાં બોક્સ નહીં લાવવા માટેની આપવામાં આવેલી સૂચના સામે ફ્રૂટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. કેરીની સિઝન પૂરબહારમાં ચાલી રહી છે તેવા સમયે જ યાર્ડમાં સુવિધા ન હોવાથી કેરીની આવક બંધ કરાવવાના નિર્ણય સામે કેરીની આવક શરૂ જ રાખવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું હબ ગણાતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં સિઝન સમયે દરરોજ કેરીના હજારો બોક્સની આવક થાય છે. 10 કિલોના કેરીના એક બોક્સની માર્કેટીંગ યાર્ડને રૂ. 2 લેખે શેષ ચુકવવામાં આવે છે. દરરોજ 50,000થી વધુની શેષ ચુકવવા છતાં યાર્ડના સત્તાધિશો દ્વારા ફ્રૂટ યાર્ડમાં શેડ, રસ્તા, ગટર, પાણી સહિતની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવું કેરીના વેપારીઓ કહે છે. દર વખતે કેરીની સિઝન સમયે માવઠા જેવી પરિસ્થિતિ થાય ત્યારે શેડ સહિતની વ્યવસ્થા ન હોવાથી કેરીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. બે દિવસ કેરીની આવક બંધ કરવાથી સેંકડો ખેડૂતોને ખુબ મોટી નુકસાની સહન કરવાનો વારો આવે તેમ છે. અવાર-નવાર રજુઆત કરવા છતાં યાર્ડના સત્તાધિશો દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી તેનો ભોગ ખેડૂતોને બનવાનો વારો આવે છે.
ભારે વરસાદની આગાહીના પગલે તા. 24-5-205 ના શનિવાર સુધી શાકભાજી, ફળફળાદી સબ યાર્ડ જૂનાગઢમાં કેરીની આવક ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય યાર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. નવી જાણ ન થાય ત્યાં સુધી કેરીની આવક સદંતર બંધ કરવામાં આવી છે તેની વેપારીઓ તથા ખેડૂતોને જાણ કરવામાં આવી છે. આ મુદ્દે કેરીના વેપારીએ રોષભેર જણાવ્યું છે કે, કેરીની આવક બંધ કરાવવાથી ખેડૂતોને ખુબ મોટી નુકસાની જશે. એક બાજુ ભારે વરસાદ અને પવનનો ભય હોવાથી ખેડૂતોએ કેરી આંબેથી ઉતારવાનું શરૂ કરી દીધુ છે જેના કારણે આવક વધે તેમ છે તેવા સમયે જ યાર્ડની વ્યવસ્થાના અભાવે કેરીનો મોટો ભરાવો થશે. કેરી ખરાબ થવાની અને ભાવ પણ ઓછા આવવાથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેમ છે. યાર્ડે કેરીની આવક બંધ કરવાના લીધેલા નિર્ણય સામે આવક શરૂ રાખવાની વેપારી અદ્રેમાન પંજાએ ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે.