અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aravalli News: અરવલ્લી જિલ્લામાં આજે કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડતી એક મોટી દુર્ઘટના સામે આવી છે. જિલ્લાના માલપુર, મેઘરજ અને શામળાજી એમ ત્રણ મહત્વના વિસ્તારોમાં એકસાથે જંગલના ડુંગરોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ખાસ કરીને માલપુરના લોઢીયાના પહાડીયા (અંબાવા) વિસ્તારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગની મોટી જ્વાળાઓ સાથે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.
એક કલાકથી જાણ છતાં વન વિભાગનો અધિકારી ડોકાયો નહીં!
આ ગંભીર ઘટના અંગે બાયડના અપક્ષ ધારાસભ્ય અને ભાજપના સમર્થક ધવલસિંહ ઝાલાએ મીડિયાને વિગતો આપતા તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા એક કલાકથી આગ લાગી હોવા છતાં અને સતત જાણ કરવા છતાં વન વિભાગનો એક પણ અધિકારી હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યો નથી. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રની બેદરકારીને કારણે આગ વધુ પ્રસરી રહી છે. હાલમાં ધારાસભ્ય પોતે અધિકારીઓ સાથે સતત સંકલનમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી 'રેઈન બેન્ડ' સક્રિય! ઉનાળામાં માવઠાની આફત
ઘટનાસ્થળે ફાયર ટીમો અને સ્થાનિક લોકો આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આગની તીવ્રતા જોતા તે કાબૂ બહાર હોવાનું જણાય છે. ધવલસિંહ ઝાલાએ તાકીદે 2 થી 3 ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવાની માગ કરી છે જેથી આગ વધુ વિકરાળ બનતી અટકાવી શકાય. પહાડી વિસ્તાર હોવાને કારણે ફાયર ફાઈટરોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે જો વહેલી તકે વન વિભાગ અને ફાયરની ટીમ વધુ સક્રિય નહીં થાય તો મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.








