જામનગરના રણમલ લેકની મધ્યમાં આવેલું માછલીઘર લાંબો સમય બંધ રહ્યા બાદ 1લી મે થી પૂન: શરૂ થયું
Jamnagar : જામનગરના રાણમલ લેકની મધ્યમાં માછલીઘર આવેલું છે, જે લાંબા સમયથી બંધ હતું, પરંતુ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે તેને પુનઃ શરૂ કરાવાયું છે અને જુદી જુદી 30 જેટલી પેટીઓમાં રંગબેરંગે 450 થી વધુ માછલીઓને નગરજનોના નિદર્શન માટે મૂકવામાં આવી છે. જેની 10 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે.
જામનગરના રણમલ લેકની મધ્યમાં આવેલું માછલીઘર, કે જે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં હતું, જેમાં અગાઉ 23 પેટીઓ રાખવામાં આવી હતી, અને અલગ અલગ માછલીઓને નિર્દેશન માટે મુકાઈ હતી. પરંતુ તે પેટીઓ ખરાબ થઈ ગઇ હોવાથી તેમાંથી માછલીઓને કાઢી લેવાઈ હતી, અને બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જ બે થી અઢી લાખનો ખર્ચ કરીને નવી 30 પેટીઓ તૈયાર કરીને માછલીઘર પુન: લોકોના નિદર્શન માટે 1લી મે થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એન્જિનિયર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના રાજીવ જાની વગેરેની રાહબરી હેઠળ માછલીઘરને પુન: કાર્યરત કરવામાં આવ્યું છે, અને રણમલ લેકમાં વર્ક આસી. જીગર જોશી તેમજ હિરેન સોલંકી દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને જામનગર શહેર તેમજ અન્ય અલગ-અલગ શહેરોમાંથી રંગબેરંગી માછલીઓને એકત્ર કરીને માછલી ઘરમાં મૂકવામાં આવી છે, ઉપરાંત હજુ પણ કેટલીક માછલીઓ મંગાવવામાં આવી રહી છે.
પ્રતિદિન સવારે 9.00 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા સુધી અને સાંજે 3.00 વાગ્યાથી 6.00 વાગ્યા સુધી માછલીઘર લોકોના નિદર્શન માટે ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે, અને તેની 10 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.