આણંદની 159 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અંદાજે 75 ટકા મતદાન

- જિલ્લામાં ગ્રામ પંચાયતની 144 સામાન્ય અને 15 પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
- વરસાદ ન પડતા ઉમેદવારોમાં ખૂશી : સવારે મતદાન નીરસ રહ્યા બાદ બપોર પછી બૂથ પર મતદારોની લાંબી લાઇનો : એક જ પરિવારોના મત અલગ બુથોમાં આવતા મતદારોને અગવડ
આણંદ જિલ્લાભરમાં રવિવારના દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદના આગમનને કારણે સરપંચ અને સભ્યપદના કેટલાય ઉમેદવારોએ મતદાનના દિવસે વરસાદ ન પડે તે માટે માતાજીની બાધાઓ અને નાળિયેર પણ વધેરવાની માનતાઓ રાખી હતી. ત્યારે જિલ્લામાં રવિવારે મતદાનના દિવસે કોઈપણ જગ્યાએ વરસાદ થવા પામ્યો ન હતો. ત્યારે આણંદ જિલ્લામાં સવારે ૭થી ૧૧ કલાક દરમિયાન તાલુકા પ્રમાણે આણંદમાં ૨૦.૪ ટકા, ઉમરેઠ ૨૬.૬૨ ટકા, બોરસદ ૨૧.૪ ટકા, આકલાવ ૨૬.૬૭, પેટલાદ ૨૪.૮૦, સોજીત્રા ૨૬.૧૪, ખંભાત ૨૬.૬૬ અને તારાપુરમાં ૨૮.૦૮ ટકા જ મતદાન નોંધાયું હતું.
આણંદ જિલ્લામાં બપોર બાદ એકાએક મતદારો ઘરેથી બહાર નીકળી મતદાન બુથે પહોંચ્યા હતા. ત્યારે મતદાન મથકોએ લાંબી લાઈનો લાગી હતી. બપોર પછી મતદાનની ટકાવારી એકાએક વધી જવા આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં ક્ષતિઓ પણ જોવા મળી હતી. જેમાં એક જ ઘરના પરિવારોના મત એક બુથમાં હોવાના બદલે અલગ અલગ બુથોમાં વહેંચવામાં આવ્યા હોવાથી મતદારોને આવવા જવામાં ભારે તકલીફો પડી હતી.
આણંદ જિલ્લામાં બપોર પછી વરસાદનું વાતાવરણ ન દેખાતા મતદારો મતદાન માટે નીકળ્યા હતા. ત્યારે મતદાન મથકોએ મહિલાઓની લાંબી લાઈનો લાગી હતી.
જિલ્લાના મતદાન કેન્દ્રો પર એક જ બૂથ પર સરપંચ અને વોર્ડના ઉમેદવારોના બેલેટ પેપરથી મતદાન કરવાના હોવાથી ધીમા મતદાનના લીધે મતદારો રોષે ભરાયા હતા.
સક્ષમ સરપંચના ઉમેદવારો તરફથી મતદાન એજન્ટો સહિત મતદાન કામગીરી કરતા યુવકો માટે ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા કેટલાક સ્થળો પર ડ્રોન કેમેરાથી નજર રાખવા સાથે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાથી જિલ્લામાં કોઈ પણ સ્થળે છમકલું કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ત્યારે આણંદ જિલ્લામાં બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૬.૭૫ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સાંજે ૬ વાગ્યા સુધી જિલ્લામાં અંદાજે સરેરાશ ૭૫ ટકાથી વધુ મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
એક બુથમાં સરપંચ, બે સભ્યોના બેલેટથી મતદાનના લીધે લાઈનો
આણંદ જિલ્લાના મોટાભાગના બુથોમાં એક સરપંચ અને બે જેટલા સભ્યોના બેલેટ પેપર આપવામાં આવતા હતા. ત્રણ મત આપવામાં અને તે બેલેટ પેપર મેળવવામાં સમય જતો હોવાથી પ્રક્રિયામાં વિલંબ થતો હતો. જેથી બુથની બહાર લાંબી લાઈનો પણ સર્જાઇ હતી.
બુથ એજન્ટો મોડા પડતા મતદાનમાં વિલંબ
જિલ્લાના કેટલાય ગામડામાં સાત વાગ્યે બુથ એજન્ટો પહોંચી શક્યા ન હોવાથી મતદાનમાં વિલંબ પણ સર્જાયો હતો. છતાં ઉપસ્થિત ચૂંટણી અધિકારીઓ દ્વારા બીજા એજન્ટોના સહકારથી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મોડા આવેલા એજન્ટોને બેસાડવામાં આવ્યા હતા.
અરડી ગામે 97 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું
પેટલાદ તાલુકાના અરડી ગામે ૯૭ વર્ષના વયોવૃદ્ધ ચંચળબાએ મતદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, લગભગ આજ સુધીની કોઈ ચૂંટણી એવી નથી કે જેમાં પોતે મતદાન ન કર્યું હોય.
મથક બહાર ચૂનાના પટ્ટાના અભાવે ટોળા
આણંદ જિલ્લાની ચૂંટણીઓમાં મતદાન મથકની બહાર ૧૦૦ મીટરના અંતરે કોઈપણ સ્થળે ચૂનાના પટ્ટા મારવામાં આવ્યા ન હોવાથી મતદારોના ટોળેટોળા ભેગા થતા હતા. જેને ખસેડવા આખો દિવસ પોલીસે વિહીસલ મારવી પડી હતી. કેટલી વખત પોલીસ અને મતદારો વચ્ચે બોલાચાલી થઈ હતી.
આણંદ જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી થયેલું મતદાન
|
તાલુકો |
ગ્રામ
પંચાયતોની |
મતદારોની |
થયેલું કુલ |
ટકાવારી |
|
|
સંખ્યા |
સંખ્યા |
મતદાન |
|
|
આણંદ
(ગ્રા) |
૧૬ |
૮૨૨૧૬ |
૫૦૩૯૬ |
૬૧.૩૦ |
|
ઉમરેઠ |
૧૨ |
૩૫૧૨૦ |
૨૫૬૩૪ |
૭૨.૯૯ |
|
બોરસદ |
૨૨ |
૬૨૧૭૬ |
૪૨૬૫૬ |
૬૮.૬૧ |
|
આંકલાવ |
૨૨ |
૬૨૧૭૬ |
૪૨૬૫૬ |
૬૮.૬૧ |
|
પેટલાદ |
૩૧ |
૮૬૩૭૨ |
૫૯૩૦૦ |
૬૮.૬૬ |
|
સોજીત્રા |
૧૪ |
૩૯૦૪૮ |
૨૭૭૮૩ |
૭૧.૧૫ |
|
ખંભાત |
૧૭ |
૪૫૦૭૨ |
૩૨૪૫૮ |
૭૨.૦૧ |
|
તારાપુર |
૧૪ |
૨૨૭૫૧ |
૧૮૩૮૩ |
૮૦.૮૦ |
|
કુલ |
૧૪૪ |
૪૨૪૯૭૩ |
૨૯૬૬૬૮ |
૬૯.૮૧ |








