બોર્ડ બેઠકમાં મંજુર કરાયેલા વી.એસ.હોસ્પિટલના ૧૮૯ કરોડના બજેટ સામે ટ્રસ્ટીઓએ જ સવાલ ઉઠાવ્યાં

એક વર્ષમાં ગાયનેક કે પિડીયાટ્રીક વિભાગમાં ઈમરજન્સી સર્જરીનો એક પણ કેસ ના બતાવાયો

Updated: Jan 25th, 2023

     

  અમદાવાદ,બુધવાર,25 જાન્યુ,2023

વી.એસ.હોસ્પિટલની મળેલી બોર્ડ બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪ માટે હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં છ કરોડના સુધારા સાથે કુલ ૧૮૯.૦૬ કરોડના બજેટને મંજુરી આપવામાં આવી છે.મંજુર કરવામાં આવેલા બજેટ સામે હોસ્પિટલના ટ્રસ્ટીઓએ જ સવાલ ઉઠાવતા ચિનાઈ મેટરનીટી હોસ્પિટલમાં એક વર્ષમાં એકપણ પેશન્ટની ગાયનેક વિભાગમાં ઈમરજન્સી પ્રસુતિ અંગેનો એક પણ કેસ બતાવવામાં આવ્યો ન હોવા સહિત અન્ય મુદ્દાઓ ઉપર બોર્ડના ચેરમેન અને શહેરના મેયરને વેધક સવાલ કરાયા છે.

મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલી વી.એસ.હોસ્પિટલની બોર્ડ બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪ માટે  સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામા આવેલા બજેટમાં ૬.૫ કરોડના સુધારા સાથે કુલ રુપિયા ૧૮૯.૦૬ કરોડનું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરાયુ હતુ.મંજુર કરવામાં આવેલા બજેટ સામે હોસ્પિટલના ટ્રસ્ટી રુપા ચિનાઈ,જય શેઠ, ડોકટર નિશિથ શાહ અને બ્રિજેશ ચિનાઈએ હોસ્પિટલ માટે વર્ષ-૨૦૨૨-૨૩ માટે મંજુર કરવામા આવેલા બજેટ અને નવા નાણાંકીય વર્ષના મંજુર કરવામા આવેલા બજેટને લઈ કેટલાક વેધક સવાલ બોર્ડના ચેરમેન અને સભ્યોને કર્યા છે.

પહેલી એપ્રિલ-૨૦૨૧થી ૩૧ એપ્રિલ-૨૦૨૨ સુધીના સમયમાં ચિનાઈ મેટરનીટી હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં એક પણ પેશન્ટની ઈમરજન્સી પ્રસુતિ કરવામા ના આવી હોય અને પિડીયાટ્રીક વિભાગમા એક પણ બાળકની ઈમરજન્સી સર્જરીનો એકપણ કેસ નોંધાયો ના હોય એ કેવી રીતે શકય બની શકે.આ વિગત સત્તાધીશો દ્વારા છુપાવવામા આવી છે.સર્જરી કે ઓર્થોપેડીક વિભાગ કે અન્ય વિભાગોમાં એક વર્ષના સમયમાં કયા પ્રકારની કેટલી સર્જરી કરવામા આવી એ અંગેની વિગત પણ જાહેર કરવામાં આવી નથી.હોસ્પિટલના બજેટમાં પાંચ લાખ રુપિયા પ્રોપર્ટી ટેકસના એવો ઉલ્લેખ કરવામા આવ્યો છે.પાંચ લાખનો પ્રોપર્ટી ટેકસ કોણ ભરશે અને તે કઈ મિલકત માટેનો છે એ અંગે પણ ટ્રસ્ટીઓએ તંત્ર પાસે સ્પષ્ટતા માંગી છે.૪૯ કરોડ જેટલી રકમ વી.એસ.બોર્ડ સત્તાવાળાઓએ કયા હેતુ માટે ખર્ચ કરી એ અંગે પણ કોઈ ખુલાસો સત્તાધીશો કરી શકયા નથી.

દસ વર્ષ બાદ ડુપ્લીકેટ રસીદ કૌભાંડ મામલે કોઈ કાર્યવાહી નહીં

વી.એસ.હોસ્પિટલના વર્ષ-૨૦૨૩-૨૪ માટે વી.એસ.બોર્ડ દ્વારા મંજુર કરવામા આવેલા બજેટને લઈ ટ્રસ્ટીઓએ વર્ષ-૨૦૧૩માં હોસ્પિટલમાં આચરવામાં આવેલા રુપિયા ૮ કરોડના પ્રોવિડન્ડ ફંડ અને ડુપ્લીકેટ રસીદ કૌભાંડમાં સંડોવાયેલાઓની સામે કોઈ કાર્યવાહી કરવામા આવી ના હોવાનો આક્ષેપ કર્યો છે.હાલ આ કાંડ મામલે કોર્ટ કાર્યવાહી ચાલી રહી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અગાઉની જેમ વી.એસ.હોસ્પિટલની સેવાઓ શરુ કરવા વિપક્ષની માંગ

અમદાવાદની ઐતિહાસિક વી.એસ.હોસ્પિટલ માટે મંજુર કરવામા આવેલા બજેટ અંગે વિપક્ષનેતાએ પ્રતિક્રીયા આપતા કહયુ,દર વર્ષે હોસ્પિટલ માટેના બજેટનુ કદ વધતુ જાય છે.સામે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે કોઈ વિશેષ આયોજન કરાતુ જ નથી.અગાઉની જેમ વી.એસ.હોસ્પિટલમાં અનુભવી તબીબોને ફરજ ઉપર મુકી તમામ સેવાઓ શરુ કરવામા આવે અન્યથા આ બજેટ મંજુર કરવા સામે વિપક્ષનો વિરોધ છે.

    Sports

    RECENT NEWS