સમય વિત્યા બાદ જિ.પં.ના મહિલા પૂર્વ પ્રમુખના પતિ ગોપાલ ચાવડાનું ટેન્ડર મંજૂર કરાતા વિવાદ
- ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના કામો માટે 33 લાખના ટેન્ડર મામલે રજૂઆત
- ગટર, પાણી, બ્લોકના કામો માટેનું ટેન્ડર મંજૂર કરાતા ભાજપના જિલ્લા પંચાયતના સભ્યએ ગેરરીતિના આક્ષેપ સાથે તપાસની માગણી કરી
ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ પંચાયતમાં 15 મા નાણાપંચ હેઠળ ગટર, પાણી બ્લોકના કામો માટે ગ્રામ પંચાયતે જાહેરાત આપીને ટેન્ડર મંગાવ્યા હતા.
ટેન્ડર ભરવાની છેલ્લી તા. ૨૯ એપ્રિલ ૨૦૨૫ હતી. તે દરમિયાન ઓછા ભાવ ધરાવતા આઠ ટેન્ડરો આવ્યા હતા. ટેન્ડર ભરવાની તારીખ વીતી ગયા બાદ તા. ૧ મે ૨૦૨૫ના રોજ આણંદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કપિલાબહેન ચાવડાના પતિ ગોપાલભાઇ ચાવડાનું ટેન્ડર આવ્યું હતું.આ ગોપાલભાઇ ચાવડાનું ૩૩ લાખનું ટેન્ડર ગ્રામ પંચાયતના સત્તાધિશોએ મંજૂર કરી દીધું હતું અને સરકારી ગ્રાન્ટનો દૂરપયોગ કર્યો હોવાની ફરિયાદ ઉઠી હતી.
આણંદ જિલ્લા પંચાયતના સુરેલી બેઠકના ભાજપના સભ્ય રમેશ ઝાલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી હતી. અરજીમાં દર્શાવ્યું છે કે, ૧૫ મા નાણાપંચ માટે ૨૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.જેની છેલ્લી તારીખ ૨૯ એપ્રિલ પછી આવેલા ૩૩ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.ટેન્ડરમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.
ટેન્ડર સંબંધિત વાંધા અરજી આવી છે અને તેની તપાસ શરૂ કરાઇ : ટીડીઓ
ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી મુકેશ મકવાણાએ જણાવ્યુ કે, મંજૂર થયેલા ટેન્ડર સંબંધિત વાંધા અરજી આવી છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.જો તેમાં ગેરરીતિ અથવા કોઇ અન્ય બાબતે બહાર આવશે તો નિયમો અનુસાર મંજૂર થયેલી ટેન્ડર રદ કરવામાં આવશે.
તા. 1 મેના રોજ ટેન્ડર મળ્યું હતું, જેમાં તા. 29 દર્શાવેલી હોવાથી મંજૂર કરાયું : તલાટી
સુંદલપુરાના તલાટી રમેશ દેસાઇએ જણાવ્યુ કે, ટેન્ડરની છેલ્લા તારીખ ૨૯ હતી. બાદ શનિ,રવિ અને સોમવારે પરશુરામ જયંતિની જાહેર રહી હતી.તા. ૧ મેના રોજ ટેન્ડર મળ્યું હતું. આ ટેન્ડરમાં તા. ૨૯ દર્શાવેલી હતી. નિયમો મુજબ મંજૂર કર્યું છે. આ ઉપરાંત ચાર ટકા ઓછા ભાવથી કામ કરવાનું પણ ઠરાવ્યું છે.