Gujarat

વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી

By GS TEAM
21 Nov 20251 min read
વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી

પશ્ચિમ રેલવેએ આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના તથા રતલામના મળી કુલ ૯ સાંસદો સાથે સંકલન બેઠક યોજી હતી. સાંસદોના વિવિધ સૂચનો પર પશ્ચિમ રેલવે તરફ થી ગંભીરતાથી કાર્યવાહીનો વિશ્વાસ અપાયો છે.

ભરૂચના સાંસદે અવંતિકા, સુર્યનગરી અને લોકશક્તિ એક્સપ્રેસના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવાની અને વંદે ભારત એક્સપ્રેસને ભરૂચમાં રોકાણ આપવા વિનંતી કરી હતી. સાથે જ અંકલેશ્વર- રાજપીપળા વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવાની માગ કરી હતી. છોટાઉદેપુરના સાંસદે ડભોઇ-મિયાગામ કરજણ બ્રોડગેજ રૂટ પર ટ્રેન સેવા શરૂ કરવાની માગ કરી હતી.. રતલામના સાંસદે પ્રતાપનગર-છોટાઉદેપુર ટ્રેનને જોબાટ સુધી લંબાવવાની માગ કરી હતી.

જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આણંદ-ગોધરા ડબલિંગ પ્રોજેક્ટના રેકોર્ડ સમયના પૂર્ણ થવાનું તથા પશ્ચિમ રેલવેના સમગ્ર બ્રોડગેજ નેટવર્કના વીજળીકરણ પૂર્ણ થવાને ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. વડોદરા- રતલામ ત્રીજી અને ચોથી લાઈન ૨૫૯ કિમીના પ્રોજેક્ટ માટે રૂ. ૮, ૮૮૪ કરોડની મંજૂરી મળી એ અંગેમાહિતી આપી હતી. વડોદરા ડીઆરએમ રાજુ ભડકેએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઉત્રાણ, ડાકોર, ડેરોલ, કોસંબા અને કરમસદ સહિત ૧૦થી વધુ સ્ટેશનોના પુનઃવિકાસની પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો.