પાલમાં બીજા પાર્ટી પ્લોટની દરખાસ્ત દફતરે, જહાંગીરાબાદ માટે મંજુરી
સવા કિ.મીના અંતરે બીજા પ્લોટની દરખાસ્ત હતી ઃ પાલનપોરમાં પાર્ર્ટી પ્લોટની માગણી છતાં હજુ કોઈ નિર્ણય નહીં
સુરત,
પાલમાં સવા કિલોમીટરના અંતરે બીજો પાર્ટી પ્લોટ બનાવવાની દરખાસ્ત દફતરે કરાઇ છે. જ્યારે જહાંગીરાબાદ માટે મંજુર કરાઇ છે. પણ લાંબા સમયથી માંગણી થઇ રહી છે તે પાલનપોરમાં પાર્ટી પ્લોટ માટે કોઇ નિર્ણય કરાયો નથી.
રાંદેર ઝોનમાં પાલ ખાતે પાર્ટી પ્લોટ બનાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પાલ ટીપી સ્કીમ નંબર 16 માં સ્પોર્ટસ કલબની બાજુમાં નિશાલ આર્કેડ બાજુમાં પાર્ટી પ્લોટ બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિએ આજે દફતરે કરી દીધી છે. સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ જે પાર્ટી પ્લોટ છે તેનો ઉપયોગ થાય છે પરંતુ વેઈટીંગ હોય તેવું લાગતું નથી. જેના કારણે આ પ્લોટની નજીકમાં જ બીજો પાર્ટી પ્લોટ માટે આયોજન થાય તે યોગ્ય નથી તેથી દરખાસ્ત દફતરે કરવામાં આવે છે. જ્યારે જહાંગીરાબાદમાં પણ પાર્ટી પ્લોટ માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે ત્યાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે.
રાંદેર ઝોનના પાલનપોરમાં પાર્ટી પ્લોટ ની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ લોકોની સુવિધા માટે આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવવો કરી જોઈએ તેવી લેખિત માગણી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. પરંતુ ઝોનના અધિકારીઓ આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ માટે રસ દાખવતા ન હોવાથી આ વિસ્તારના લોકોએ પોતાના પ્રસંગ કરવા માટે ખાનગી પાર્ટી પ્લોટ કે વાડીનો સહારો લેવો પડે છે. પાલના પાર્ટી પ્લોટ ની દરખાસ્ત દફતરે કરાયા બાદ પાલનપોર વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનવો જોઈએ તેવી માગણી નગર સેવકો ફરીથી કરી રહ્યાં છે તે માગણી ક્યારે પુરી થશે તે સમય જ બતાવશે.