Gujarat

વીજ નિગમમાં ભરતી ન થતા, 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવો

By GS TEAM
22 Sep 20251 min read
TukuTouch Logo
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વર્ષ 2022માં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા યુવાનોએ નોકરી ન મળતાં આજે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરના આ યુવાનોએ વડોદરા સ્થિત વીજ નિગમની વડી કચેરી, ઇલોરાપાર્ક ખાતે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ધરણા યોજ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વીજ નિગમમાં ભરતી ન થતા, 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવો

Vadodara MGVCL : ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વર્ષ 2022માં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા યુવાનોએ નોકરી ન મળતાં આજે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરના આ યુવાનોએ વડોદરા સ્થિત વીજ નિગમની વડી કચેરી, ઇલોરા પાર્ક ખાતે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ધરણા યોજ્યા હતા.

આ યુવાનોનો આક્ષેપ છે કે, 2022માં પરીક્ષા પાસ કર્યા બાદ પણ વીજ નિગમ દ્વારા જુદા જુદા બહાના બતાવીને ભરતી પ્રક્રિયા ટાળવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ બેરોજગાર છે અને હતાશા અનુભવી રહ્યા છે.

આ પહેલા પણ આ પાસ થયેલા એપ્રેન્ટિસોએ અનેકવાર વીજ નિગમની વડી કચેરીએ દેખાવો અને ધરણાં કરીને ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્રો આપ્યા છે. તેમ છતાં કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, આજે ફરી એકવાર તેઓ 'અમને ન્યાય આપો' અને 'એપ્રેન્ટિસોની ભરતી કરો' જેવા સૂત્રોચ્ચાર સાથે મેદાને ઉતર્યા હતા.

આ યુવાનોની માંગ છે કે, વીજ નિગમ તાત્કાલિક ધોરણે પાસ થયેલા તમામ યુવાનોને નોકરી પર રાખીને તેમની સાથે થયેલો અન્યાય દૂર કરે. આ આંદોલનથી રાજ્ય સરકાર અને વીજ નિગમ પર યુવાનોને ઝડપી ન્યાય આપવાનું દબાણ વધ્યું છે.