Gujarat

વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકામાં પ્રમુખની નિયુક્તીઃ જિ.પંચાયત અને તા.પંચાયતનો કાર્યક્રમ પણ જાહેર

By GS TEAM
19 May 20262 mins read
વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકામાં પ્રમુખની નિયુક્તીઃ જિ.પંચાયત અને તા.પંચાયતનો કાર્યક્રમ પણ જાહેર

વડોદરાઃ વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિનો પ્રારંભ થઇ ગયો છે,જેના ભાગરૃપે આજે ચાર નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાઓમાં ચૂંટણીઓ યોજાઇ હતી.જેમાં ડભોઇ નગર પાલિકા કોંગ્રેસે કબજે કરી હતી. બાકીની તમામ સંસ્થાઓ પર  ભાજપનો ભગવો  લહેરાયો હતો.

પંચાયતો અને પાલિકામાં હવે પ્રમુખ- ઉપપ્રમુખ,કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડક જેવા હોદ્દાઓની નિયુક્તિનો પ્રારંભ થયો છે.જેમાં આજે ભાજપના જિલ્લા પ્રભારીએ હોદ્દેદારોના મેન્ડેટ સાથે પ્રમુખ અને મહામંત્રીઓને ત્રણ નગર પાલિકાઓમાં મોકલ્યા હતા.જો કે,ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસની બહુમતી હોવાથી ત્યાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા.

પાદરા,ડભોઇ અને કરજણ નગર પાલિકામાં ભાજપના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.આ પૈકી સાવલી નગર પાલિકામાં ટિકિટ માંગવા માટે ઘોડીયાંમાં બાળકને લઇ રજૂઆત કરવા આવેલી ભાજપની મહિલા ડોક્ટરને સાવલી નગર પાલિકાની  પ્રમુખ બનાવવામાં આવી છે.

કઇ પાલિકામાં કોણ પ્રમુખ-ઉપપ્રમુખ

નગર પાલિકા         હોદ્દો

વાઘોડિયા બ્રિજેશ ગોસ્વામી(પ્રમુખ)

               સંદીપ દોડિયા(ઉપપ્રમુખ)

પાદરા દિપેશ પંચાલ(પ્રમુખ)

       ઇલાબેન જોષી(ઉપપ્રમુખ)

સાવલી ડો.મોનાલી શાહ(પ્રમુખ)

       ગીતાબેન સિસોદીયા(ઉપપ્રમુખ)

ડભોઇ પુષ્પાબેન રાવલ(પ્રમુખ)

                         નુરમહંમદ મહુડાવાલા(ઉપપ્રમુખ)

નગર પાલિકાઓમાં ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો

વડોદરા જિલ્લાની ભાજપની ત્રણ નગર પાલિકાઓમાં આજે પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિમાં ભાજપના ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો હોવાની વિગતો ચર્ચાના કેન્દ્રમાં રહી છે. આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ તેમના નામોની પસંદગી થાય તો નવાઇ નહી.

ડભોઇ પાલિકામાં પ્રમુખની ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓનો જમાવડો

વડોદરા જિલ્લાની ડભોઇ નગર પાલિકામાં આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે ઉત્તેજના વ્યાપી હતી.

અગાઉ ડભોઇમાં ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા દરમિયાન અથડામણનો બનાવ બન્યો હોવાથી આ વખતે પોલીસ પહેલેથી જ ગોઠવી દેવામાં આવી હતી.

તો બીજીતરફ કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થનાર હોવાની વાત પણ વહેતી થઇ હતી.જેને કારણે કોંગ્રેસમાંથી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય,વડોદરા મ્યુ.કોર્પોરેશનના સિનિયર કોર્પોરેટર સહિતના આગેવાનો તેમજ ભાજપમાંથી જિલ્લા પ્રભારી, ધારાસભ્ય,જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

વડોદરા જિલ્લા પંચાયતની તા.૨૩ અને આઠ તા.પંચાયતની તા.25મી એ ચૂંટણી

વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓની નિયુકિત માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જેની વિગત આ મુજબ છે.

પંચાયત            ફોર્મ ભરાશે ચૂંટણી

વડોદરા જિ.પં.    તા.૨૨-૫-૨૬ તા.૨૩-૫-૨૬ (બપોરે ૧૨વાગે)

તાલુકા પંચાયતો તા.૨૪-૨-૨૬ તા.૨૫-૫-૨૬(સવારે ૧૧ વાગે)