મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ
ખ્યાતનાથ જગ્યાના વિવાદમાં નવો ઘટસ્ફોટ : મંજૂરી વગરના 5 માળનાં પ્રેમગીરી અતિથિ ભવન સહિતના કારણે નિમણૂક રદ્દ,: વાંધા સાથે વકીલની રૂબરૂમાં હરિગીરીએ ઓર્ડર સ્વીકાર્યો
જૂનાગઢ, : ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરીગીરીની મુદ્દત પૂર્ણ થાય તેના એક દિવસ પહેલા મહંત તરીકેની નિમણુંક કલેક્ટરે રદ કરી છે. હરીગીરીએ પોતે મહંત તરીકેના કાર્યકાળ દરમ્યાન મંજુરી વગર ભવનાથ મંદિરની જગ્યામાં પ્રેમગીરી અતિથી ભવન ખડકી દીધુ, ભવનાથમાં રેગ્યુલર હાજરી ન આપી સહિતના અનેક કારણોને લીધે મહંત તરીકેની નિમણુંક રદ કરવામાં આવી છે. મહંતની નિમણુંક રદ કર્યા બાદ કલેક્ટરે જૂનાગઢના પ્રાંત અધિકારીની વહિવટદાર તરીકે નિમણુંક કરી છે.
છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિરના મહંત સામે ભૂતનાથના મહંત મહેશગીરી દ્વારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમ કે, મહંત તરીકેની બીજીવાર નિમણુંક થઈ તેમાં ગેરરીતિ થઈ છે, પાંચ માળનું પ્રેમગીરી અતિથી ભવન મનપાની મંજુરી વગર બનાવી નાખ્યું, આ બિલ્ડીંગનો કોઈ ખર્ચ કે બિલ્ડીંગનો ચેરીટી કમિશનર કે ટ્રસ્ટના રેકર્ડમાં ઉલ્લેખ કરવામાં ન આવ્યો, પ્રેમગીરી અતિથી ભવન ભાડે આપી દીધુ, મહંત તરીકેની શરતોમાં જણાવ્યા મુજબ રેગ્યુલર ભવનાથ મંદિરમાં હાજરી ન આપી, મહંત તરીકેની નિમણુંક થાય તે માટે રજુ કરેલા કાગળોમાં બે તત્કાલીન કલેક્ટર, ભાજપના ટોચના નેતાઓ, સાધુ-સંતો સહિતનાઓને મોટી રકમ આપી હોવાનો ઉલ્લેખ કર્યો હોવાની ફરિયાદ કરી હતી.
આ અંગેની તપાસ ચાલતી હતી તે તપાસ દરમ્યાન હરીગીરીની મહંત તરીકેની મુદ્દત પૂર્ણ થાય તેના એક દિવસ પહેલા તેમની નિમણુંકને રદ કરી નાખવામાં આવી છે. મહંત તરીકેની નિમણુંકના ઓર્ડરમાં ગમે ત્યારે નિમણુંક રદ કરવાની શરત હતી તે શરત મુજબ અનેક બેદરકારીઓને ધ્યાને લઈ નિમણુંક રદ કરવામાં આવી હતી. હરીગીરીની નિમણુંક રદ કરવાનો ઓર્ડર તંત્રના અધિકારીઓ ગત સાંજે બજાવવા ગયા ત્યારે તેમણે કોઈપણ કારણોસર તે ઓર્ડર ન સ્વીકાર્યો, ફરીવાર આજે વાંધા સાથે નિમણુંક રદ કરવાનો ઓર્ડર તેમના વકીલ સહિતનાઓની રૂબરૂમાં સ્વીકાર્યો હતો. મહંત હરીગીરીની નિમણુંક રદ કરી જ્યાં સુધી નવા મહંતની નિમણુંક ન થાય ત્યાં સુધી વહિવટદાર તરીકે જૂનાગઢના પ્રાંત અધિકારીની કલેક્ટરે નિમણુંક કરી છે.