Get The App

હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી

હાઇકોર્ટે જણાવેલી શરતનો ભંગ કરી રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી 1 - image


વડોદરા : હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહે કોર્ટની પરવાનગી લીધા વગર જ રાજસ્થાન પ્રવાસ કરીને હાઇકોર્ટની શરતનો ભંગ કરતા તેના જામીન રદ કરી કસ્ટડીમાં લેવા માટેની અરજી ડીસીપી(ક્રાઇમ) દ્વારા કરવામાં આવતા તેની વધુ સુનાવણી તા.૧૮ના રોજ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વડોદરાના હરણી તળાવ ખાતે એક બોટ પલટી જતાં ૧૨ નિર્દોષ બાળકો અને ૨ શિક્ષકોના જીવ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. પીડિત પરિવારો આજે પણ ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ કેસમાં સંડોવાયેલા આરોપી પરેશ શાહે તેની ધરપકડ બાદ સૌથી પહેલા વડોદરાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી જે અરજી તા.૧૭ મે ૨૦૨૪ના રોજ રદ થઇ હતી.

ત્યાર બાદ આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા હાઇકોર્ટે તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ આરોપી પરેશ શાહની જામીન અરજી મંજૂર કરી હતી અને તેમાં જે વિવિધ શરતો જણાવવામાં આવી હતી તેમાં એક શરત એવી હતી કે, આરોપીએ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ગુજરાત રાજ્યની હદ છોડવી નહી. દરમિયાનમાં તાજેતરમાં આરોપી પરેશ શાહે કોર્ટની મંજૂરી વગર ગુજરાતની હદ છોડી રાજસ્થાનનો પ્રવાસ કર્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ અંગે રાજસ્થાનમાં તપાસ કરતા પરેશ શાહ નાથદ્વારા ખાતે ખડાયતા ભવનમાં રોકાયા હોવાની વિગતો સ્પષ્ટ થઇ હતી એટલે પોલીસે રિસેપ્શનિસ્ટનું નિવેદન, રજીસ્ટરની કોપી, પેમેન્ટ પાવતી સહિતના દસ્તાવેજ એકત્રિત કર્યા હતા. મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, આરોપીએ હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવેલી વિવિધ શરતો પૈકીની એક શરતનું ઉલ્લંઘન કર્યું હોઇ તેની જામીન અરજી રદ કરવા માટેની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને તેની વધુ સુનાવણી તા.૧૮ના રોજ હાથ ધરાશે.

Tags :