બ્રેક ડાઉન ઘટાડવા તથા ટેસ્ટિંગ પ્રક્રિયા ઝડપી બનાવતા એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની જોવાતી રાહ

દરજીપુરા ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ કાર્યરત હોવાથી શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારના તથા આસપાસના ગામોમાંથી અરજદારો લાંબુ અંતર કાપી કચેરીએ પહોંચતા હોય છે. પરંતુ, અવાર નવાર ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બ્રેક ડાઉન ઘટાડવા તથા ટેસ્ટિંગ પ્રક્રિયા ઝડપી બનાવતા એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની રાહ જોવાઈ રહી છે.
ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓમાં એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરી તબક્કાવાર નવા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. ગ્રાઉન્ડ સેન્સર બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેટલી સફળકારક નહીં નીવડતા હવે વીડિયો અને એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. મોડાસા અને છોટાઉદેપુર આરટીઓ ખાતે એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા પ્રગતિ હેઠળ હોવાનું જાણવા મળે છે. આ સિસ્ટમમાં માનવીય હસ્તક્ષેપ નહિવત્ રહેતા ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે તેવું જાણવા મળે છે. હાલ દરજીપુરા આરટીઓમાં પાછલા ઘણાં સમયથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ટેસ્ટ ટ્રેકમાં સોફ્ટવેરની ખામી સહિતના ટેકનીકલ ઇસ્યુ ઉભા થતા હોય છે અને તના કારણે લાંબો સમય ટ્રેક બંધ રાખવો પડતો હોય છે. પરિણામે અરજદારોને હેરાન થવાનો વારો આવે છે. ત્યારે એઆઈ સિસ્ટમ ઓનલાઇન અને ઓફલાઈન બંને મોડ પર ચાલતી હોવાથી સર્વર બંધ થાય તો પણ ટેસ્ટીંગ પ્રક્રિયા શરૂ રહેશે અને અરજદારે ધક્કા ખાવા નહીં પડે તેવી સુવિધા હોવાનો દાવો છે. જેથી નવો ટ્રેક વહેલી તકે કાર્યરત થાય તો અરજદારોને આંશિક રાહત મળે તેમ જણાય છે. આ સિસ્ટમથી ટેસ્ટ ટ્રેકમાંથી હાલના સેન્સરપોલ દૂર થઈ જશે અને નવા એઆઈ બેઝ સેન્સર મુકાશે. સાથે ટ્રેકની ઓફિસમાં કોમ્પ્યૂટર સિસ્ટમથી લઇ મોનિટરિંગ સિસ્ટમ માટે નવા સાધનો પણ ફાળવશે. તેમજ અધિકારીઓને આ બાબતની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જાય ત્યારે અરજદારોને મર્યાદિત સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ટ્રેકની બહાર નીકળી જવાનું રહે છે. નવી સિસ્ટમ બાદ માર્કિંગ સિસ્ટમ અમલી બનશે તેમ જાણવા મળે છે.









