ગરમ વાતાવરણ ધરાવતા વડોદરામાં પણ સફરજનનું ઉત્પાદન કર્યું
આ સિદ્ધિ પ્રાકૃતિક ખેતીના પ્રયોગો અને હરિમન 99 જાતના સફરજનની ખેતીની નવીનતાને આભારી
વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશકુમાર પટેલએ ગરમ વાતાવરણ ધરાવતા વડોદરામાં સફરજનનો બગીચો સફળતાપૂર્વક તૈયાર કરી અને માત્ર બે વર્ષમાં સફરજનનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના અનુભવી ખેડૂત ધર્મેશકુમાર પટેલે અઢી વીઘાના ચંદન ફાર્મની જમીનમાં 60થી વધુ સફરજનનાં ઝાડ પંચસ્તરીય જંગલ મોડેલ પદ્ધતિથી વાવ્યા છે. સફરજન ઉપરાંત, તેમના ખેતરમાં જામફળ, આંબા, એવોકાડો, દ્રાક્ષ, દાડમ અને અન્ય 42થી વધુ ફળોનાં ઝાડ તેમજ શાકભાજી અને મસાલાની પણ ખેતી થાય છે. ખેડૂતના કહેવા મુજબ આશરે 100 કિલોથી પણ વધુ સફરજનનું ઉત્પાદન આ વર્ષે મેળવશે એવી આશા છે.
સફરજનના બગીચાની સફળતા ખરેખર આશ્ચર્યજનક
વડોદરાનું વાતાવરણ સામાન્ય રીતે સફરજનની ખેતી માટે અનુકૂળ માનવામાં આવતું નથી. હાલમાં હરિમન 99 નાં ઝાડ લીલાં સફરજનોથી લદાયેલાં છે, જે દર્શાવે છે કે યોગ્ય તકનીક અને પ્રાકૃતિક ખેતી દ્વારા અશક્યને પણ શક્ય બનાવી શકાય છે.
અનોખો ઘન જીવામૃત ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો
ખેતરની સફળતાનું મુખ્ય રહસ્ય તેમની ગૌશાળા છે, જે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી પોષક તત્વોથી ભરપૂર ઘન જીવામૃત ઉત્પન્ન કરે છે. આ પ્રાકૃતિક ખાતર તેમના પાકને પોષણ આપીને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ થાય છે. આના મહત્વને સમજીને, ધર્મેશકુમાર પટેલે ગૌશાળા નજીક એક અનોખો ઘન જીવામૃત ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે, જે આ વિસ્તારમાં પ્રથમ છે. આ સ્વયંચાલિત પ્લાન્ટ માનવ હસ્તક્ષેપ વિના કાર્ય કરે છે અને આસપાસના 15 ગામોના ખેડૂતોને પૂરતું જીવામૃત પૂરું પાડે છે.