વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે પાન,બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા હાલ શહેરના તમામ બાગ બગીચાઓમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે ખાસ તાકીદ કરી છે. કમાટી બાગમાં માઇક સિસ્ટમ ગોઠવી આવતા સહેલાણીઓને તેના પરથી સતત સૂચના આપી કચરો કચરા પેટીમાં જ નાખવા અને ગંદકી નહીં કરવા કહેવામાં આવી રહ્યું છે. કચરો ફેકતા કોઈ પકડાશે તો દંડ કરવાની પણ સૂચના અપાઈ રહી છે.
બાગમાં આવતા ઘણા સહેલાણી પાન, બીડી કે ગુટકાનું સેવન કરી જ્યાં ત્યા પડીકીના પાઉચ અને ઠુંઠા ફેંકે છે, થુંકે છે, ગંદકી કરે છે. આવું ન થાય તે માટે ગાર્ડનમાં આવતા સહેલાણીઓનું ચેકિંગ કરવામાં આવે છે, અને તેની પાસેથી પાન પડીકી અને બીડી હોય તો જપ્ત કરી લેવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં ઢગલા બંધ બીડી, તમાકુ અને ગુટકાના પાઉચનો જથ્થો એકત્રિત કરાયો છે. સિક્યુરિટી ગાર્ડ બાગમાં જઈને કોઈ બીડી અથવા સિગારેટ પીતા નજરે પડે તો દંડ કરે છે.