Get The App

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ

માંજલપુરમાં ગટરનું ઢાંકણુ ખુલ્લુ રાખતા યુવકનું મોત નિપજ્યું હતું

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ 1 - image

વડોદરા : માંજલપુર વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખવાના કારણે નિર્દોષ નાગરીકનું મોત નિપજવાના બનાવમાં સંડોવાયેલા મહિલા કોન્ટ્રાક્ટરે આગોતરા જમીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, મજૂરોના ભરોસે જોખમી કામ છોડી દેવું અને સુરક્ષાના સાધનો ન રાખવા તે ગંભીર અપરાધ છે.

કેસની વિગત એવી છે કે, માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકીની સફાઈ માટે ઇકો ફેસીલીટીઝ મેનેજમેન્ટ સર્વીસીસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન મજૂરો દ્વારા ગટરનું મુખ્ય ઢાંકણું ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને ત્યાં કોઈ પણ પ્રકારનું બેરીકેટીંગ કે સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નહોતા. આ બેદરકારીને કારણે ફરિયાદીના પતિ ગટરમાં પડી જતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં ધરપકડથી બચવા માટે મહિલા કોન્ટ્રાક્ટર ઉર્વીબહેન રાહુલકુમાર શર્માએ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે,બનાવ સમયે અરજદાર સ્થળ પર હાજર નહોતા. અરજદાર મહિલા છે, અને તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કેટેન્ડરની શરતો મુજબ સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવાની હતી જે આરોપીએ કરી નહોતી. આરોપીએ માત્ર પૈસા કમાવવાના હેતુથી તમામ જોખમી કામગીરી મજૂરોના ભરોસે છોડી દીધી હતી અને સુરક્ષાના કોઈ માપદંડો જાળવ્યા નહોતા, જે મનુષ્યવધ સમાન ગંભીર ગુનો છે.

ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, હાલના સમયમાં કોન્ટ્રાક્ટરો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા નથી, જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે. અદાલતે નોંધ્યું કે આરોપીએ શૈક્ષણિક લાયકાત ધરાવતા એન્જિનિયરની નિમણૂક ન કરીને તેમજ કામના સ્થળે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન જાળવીને ટેન્ડરની શરતોનો ભંગ કર્યો છે. આ ગુનાની તપાસમાં અન્ય કયા અધિકારીઓ કે કર્મચારીઓ સંકળાયેલા છે તે જાણવા માટે આરોપીની હાજરી અને તપાસ અત્યંત આવશ્યક છે.