રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં જિલ્લા કો.ઓર્ડિનેટર સહિત પાંચની આગોતરા જામીન અરજી નામંજૂર
મહીસાગર જિલ્લાના કૌભાંડમાં એક ડઝન કર્મચારીઓ સામે ગુનો દાખલ થયો હતો
ગોધરા,તા.૨૭ મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાના કામોમાં રૃા.૧૨૩ કરોડના કૌભાંડમાં નાસતા ફરતા પાંચ આરોપીઓએ લુણાવાડા સેશન્સ અદાલત સમક્ષ દાખલ કરેલી આગોતરા જામીન અરજીઓ નામંજૂર થઇ હતી.
લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન યુનિટ મેનેજર એ.જી. રાજપરા સહિત ૧૨ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયા બાદ સીઆઇડી ક્રાઈમ દ્વારા ભ્રષ્ટ કર્મચારીઓને ઝડપી પાડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.
છેલ્લા બે મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન યુનિટ મેનેજર અબ્બાસઅલી રાજપરા તેમજ ચાર અન્ય કર્મચારીઓ ઇન્ચાર્જ જિલ્લા કો.ઓડિનેટર અમિત પટેલ,આસી.મિકેનિકલ અલ્પેશ જયવંત પરમાર, આસી.ટેકનિકલ પાર્થ જગદીશ પટેલ અને આસી. ટેકનિકલ દશરથસિંહ રામસિંહ પરમાર દ્વારા લુણાવાડા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજીઓ દાખલ કરાઈ હતી.
આગોતરા જામીન અરજીની સુનાવણી મહીસાગર જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ.એન.ગડકરી સમક્ષ કરાઈ હતી. દરમિયાન સીઆઇડી ક્રાઇમ તરફથી સરકારી વકીલ દ્વારા કૌભાંડીઓને આગોતરા જામીન આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ન્યાયાધીશ દ્વારા પાંચેય આરોપી કર્મચારીઓની આગોતરા જામીન અરજીઓ બે તબક્કામાં નામંજૂર કરવાનો હુકમ કરાયો હતો.