Get The App

બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર 1 - image

Vadodara Visa Fraud : વિદેશના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 12 જેટલા ગ્રાહકો પાસેથી કુલ રૂ.55,30,231ની રકમ મેળવી ઓસ્ટ્રેલિયા, નોર્વે અને ફિનલેન્ડના બોગસ વર્ક પરમિટ લેટર આપી છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

વર્ષ 2024-25 દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાજ અભિમન્યુ પ્રસાદ પ્રભાકર (રહે. કલ્પ ડિઝાયર, ન્યુ અલકાપુરી, ગોત્રી, વડોદરા) દ્વારા 10મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી.જે.થોરીયાની અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેની ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સરકાર પક્ષ તરફથી એ.જી.પી. એસ.કે.ત્રિવેદીએ જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, ગુનાનો મુદ્દામાલ હજી સુધી રિકવર થયો નથી, અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે તેમજ ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન અનિવાર્ય છે. આગોતરા જામીન આપવામાં આવે તો સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની પણ સંભાવના હોવાનું સરકાર પક્ષે જણાવ્યું હતું.

 અદાલતે અવલોકન કર્યું હતું કે, આરોપીએ પોતાની પત્નીના બેંક ખાતામાં ઠગાઈની રકમ જમા કરાવી બોગસ વર્ક પરમિટ લેટરો આપી છેતરપિંડી આચરી છે. પ્રથમ દર્શનીય રીતે આરોપીએ મોટી રકમનું ફ્રોડ કર્યું હોવાનું જણાય છે. વધુમાં આરોપીની પત્ની ઇટલી ખાતે નાસી ગયેલી હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.

 અદાલતે જણાવ્યું હતું કે, જો આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો તે પણ નાસી જવાની શક્યતા નકારી શકાતી નથી. ઉપરાંત બોગસ વર્ક પરમિટ લેટરોની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂરિયાત નકારી શકાય તેમ નથી. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે આરોપીને આગોતરા જામીન આપવાનું યોગ્ય અને ન્યાયી ન હોવાનું અદાલતે સ્પષ્ટ કરતા અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.