2 લાખની લાંચમાં ફરાર ભૂસ્તરશાસ્ત્રી અને રો. ઈન્સ્પેક્ટરની આગોતરા જામીન નામંજૂર

- વડોદરા શહેર એસીબીએ ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો
- મહિનાથી નાસતા ફરતા ખાણ- ખનીજ વિભાગના રવિ મિસ્ત્રી અને સંકેત પટેલની આગોતરા અરજી હાઈકોર્ટે ફગાવી
વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને એસીબી પોલીસે ગત તા. ૧૨મી મેના રોજ રેતીનો સ્ટોક કરવાની પરવાનગી આપવા બાબતે રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી પાડયો હતો. લાંચની રકમ આવી ગયા બાદ યુવરાજસિંહે અન્ય અધિકારી અને કર્મચારીઓને જાણ કરી હતી. જેથી એસીબીએ લાંચ લેવાના ગુનામાં આણંદ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી અને વડોદરા ખાણ ખનીજ વિભાગનો ચાર્જ ધરાવતા રવિ કુમાર કમલેશકુમાર મિસ્ત્રી, વડોદરા ખાણ ખનીજ વિભાગના આઈ.ટી એક્ઝિક્યુટિવ- કમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) કિરણભાઈ કાંતિભાઈ પરમાર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર (કરાર આધારિત) સંકેતભાઈ પટેલ વિરુદ્ધ બે લાખની લાંચ લેવા અંગે ગુનો દાખલ કર્યો હતો.
બાદમાં કિરણ પરમારની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને આણંદના ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી ફરાર થઈ જતા બંનેને વોન્ટેડ જાહેર કરાયાના એક મહિના બાદ બંને આરોપી અધિકારીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે બંને આરોપીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે હાઈકોર્ટે આજે બંનેની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
અગાઉ પકડાયેલા અને હાલ જેલમાં ધકેલાયેલા આરોપી કિરણ કાંતિભાઈ પરમારની રેગ્યુલર જામીન અરજી પણ હાઈકોર્ટે નામંજૂર કરી છે.








