વડોદરાના હાઈવે પરથી દારૂ ભરેલી કારની તપાસમાં ખુલેલા નામ બાદ બુટલેગરના આગોતરા જામીન નામંજૂર
Vadodara : વડોદરા શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરત થી અમદાવાદ તરફ જતી વખતે ગોલ્ડન બ્રિજ પાસેથી પસાર થતી ઇકો કારમાંથી રૂ.1.04 લાખના ઝડપાયેલા દેશી બનાવટના ઇંગ્લિશ દારૂના દોઢ મહિના અગાઉના ગુનામાં સંડોવાયેલા આરોપીએ રજૂ કરેલી આગોતરા જામીન અરજ એડિશનલ સેશન કોર્ટે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતથી અમદાવાદ ગઈ તા.21- એપ્રિલે જતી વખતે ગોલ્ડન બ્રિજ પાસે ઇકો કારને હરણી પોલીસે રોકી હતી. તપાસ કરતા રૂપિયા 1.04 લાખના દેશી બનાવટના વિદેશી દારૂની 622 બોટલ સાથે આરોપી જીતેન્દ્ર દિગંબર જાટ પકડાયો હતો. આ ગુનાની તપાસમાં અન્ય આરોપી વિજય કનુભાઈ પંચાલ (ઉં.34) રહે. સી-103, સાહિત્ય ગ્રીન, એલ એન્ડ ટી સામે, વાઘોડિયા-આજવા રોડનું નામ ખુલ્યું હતું.
પરિણામે હરણી પોલીસ આરોપી વિજય પંચાલની ધરપકડ કરે એવી આશંકા છે. જેથી આરોપી-અરજદાર વિજય પંચાલે તેમના વકીલ દ્વારા અદાલતમાં આગોતરા જામીન રજૂ કરી હતી. જેની સુનાવણી અદાલતમાં થતા અરજદારના વકીલની સઘન રજૂઆતો અને સરકારી વકીલ એપીપી ડીજે નાળિયેરવાળાએ દલીલો કરી હતી. આરોપી અરજદારના વકીલ અને સરકારી વકીલની સામસામે થયેલી દલીલો બાદ નવમા એડિશનલ સેશન જજ દીગ્નેશકુમાર કનૈયાલાલ સોનીની અદાલતે આરોપી અરજદારની આગોતરા જામીન નામંજૂર કરી હતી.