ચીંટીંગના રૂપિયા ૫ લાખ આરોપીએ આપી દીધા છતાં ગુનાની ગંભીરતાને લઇ અદાલતે અરજી ફગાવી
બનાવ ગત ૨૮ નવેમ્બરના રોજ સુખપર રતીયા રોડ પર બન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસાના સોની વેપારી દેવાભાઇ ચેલાભાઇ ચૌધરીનુ બજાર કરતાં ૨૦ ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપીને ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કીટ બતાવી ફરિયાદીને ૧૨ લાખ ૪૦ હજારમાં આપવાની વાત કરી રોકડ અને સ્કેનર મારફતે રૂપિયા ૫ લાખ ૪૪ હજાર પડાવી લઇ સોનું કે, રૂપિયા પરત ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. માનકુવા પોલીસ મથકે ઇમરાન અને સિકંદર નામના બે મોબાઇલ ફોન નંબર ધારકો અને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં સોઢા સિકંદર જુસબ નામના આરોપીએ ભુજની કોર્ટમાં તેમના વકીલ મારફતે આગોતરા જામની અરજી કરી હતી. જેમાં આરોપીએ છેતરપીંડીથી મેળવેલા રૂપિયામાંથી ૫ લાખ ફરિયાદીને પરત આપ્યા હતા. અને બાકીના રૂપિયા આપી દેવાની તૈયારી બતાવીને ફરિયાદી સાથે સમાધાન કર્યું હતું. તે બાબતનું સોગધનામુ કોર્ટમાં રજુ કર્યું હતું. ભુજના છઠ્ઠા અધિક સેસન્સ જજ વી.વી.શાહએ આરોપી સામે આજ પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોઇ ગુનાની ગંભીરતા અને સમાજ પર થતી અસર તેમજ આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધી ગયું હોવા સહિતની બાબતને ધ્યાને લઇને આરોપી સિકંદરના આગોતરા જામીન અરજી ના મંજુર કરી હતી. આ કેસમાં સરકારી તરફે જિલ્લા સરકારી વકીલ એસ.એ.મહેશ્વરી હાજર રહીને દલીલો કરી હતી.


