ખોટી વારસાઇ કરી જમીન વેચવાના કેસમાં આરોપીના આગોતરા જામીન નકારાયા
24 વર્ષ અગાઉ વડીલોપાર્જિત જમીન 12 વારસોને હક્કથી વંચિત રાખી નવસારીના પ્રકાશ દેસાઈ ઉર્ફે મામા પાઉંભાજીએ બિલ્ડરને વેચી દીધી હતી
સુરત
24 વર્ષ અગાઉ વડીલોપાર્જિત જમીન 12 વારસોને હક્કથી વંચિત રાખી નવસારીના પ્રકાશ દેસાઈ ઉર્ફે મામા પાઉંભાજીએ બિલ્ડરને વેચી દીધી હતી
24 વર્ષ અગાઉ વડીલોપાર્જિત જમીનના 12 જેટલા વારસદારોને તેમના હક્કથી વંચિત રાખીને માત્ર પાંચ વારસો હોવાનું જણાવી ખોટું પેઢીનામુ કરીને બિલ્ડરને જમીન બારોબાર વેચી મારીને ગુનાઈત ફોર્જરી-ઠગાઈના ષડયંત્રમાં સુરત ક્રાઈમ બ્રાંચ ધરપકડ કરે તેવી દહેશતથી નવસારીના આરોપી પ્રકાશ દેસાઈ ઉર્ફે મામા પાઉંભાજીએ કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ વિનોદ વી.પરમારે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનામાં કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો નિદેશ સાથે નકારી કાઢી છે.
કામરેજ તાલુકાના કઠોદરાના વતની ફરિયાદી વિક્રમ ગુલાબભાઈ દેસાઈએ ગઈ તા.11-4-25ના રોજ પોતાના સગા મોટા ભાઈ ૭૧ વર્ષીય પ્રકાશ ગુલાબભાઈ દેસાઈ ઉર્ફે મામા પાઉંભાજી(રે.પુજા અભિષેક કો.ઓ.સોસાયટી,ગાયત્રી નગર, વિજલપોર,નવસારી) વિરુધ્ધ ઈપીકો-420,465,467,468,471,120(બી),34ના ગુનાઈત કારસા અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આજથી 24વર્ષ પહેલાં ફરિયાદીના મૃત્તક પિતા ગુલાબભાઈ દેસાઈની સરથાણા ગામના સર્વે નં.28 શીટ નં.1માં આવેલા પ્લોટ નં.51 ની વડીલો પાર્જિત જમીનમાં કુલ 12 કાયદેસરના વારસદારો હોવા છતાં આરોપી પ્રકાશ દેસાઈ,ગુલાબભાઈ દેસાઈ,અતુલ દેસાઈ,રમણભાઈ દેસાઈ વગેરેએ એકબીજાના મેળાપિપણામાં માત્ર પાંચ વારસદારો હોવાનું પેઢીનામું કરીને મિલકત બારોબાર બિલ્ડરને વેચી મારી ગુનાઈત ઠગાઈના કારસો રચ્યો હતો. જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી પ્રકાશ દેસાઈએ આગોતરા જામીન માંગ્યા હતા.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે એવો બચાવ લીધો હતો કે 20 વર્ષ પહેલાના બનાવ અંગે વિલંબિત ફરિયાદનો ખુલાશો કર્યો નથી.આરોપી 71 વર્ષના હોઈ ખોટી રીતે પૈસાની માંગણી કરવાના હેતુથી હાલની ફરિયાદ કરી છે.અગાઉ પોલીસ કમિશ્નર કચેરીમાં ત્રણ વાર આ પ્રકારે કરેલી અરજી દફતરે કરવામાં આવી છે.ફરિયાદીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોઈ દસ્તાવેજી પુરાવા આધારિત કેસમાં આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી નથી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદી વિક્રમ દેસાઈ તરફે અજેન એ.પટેલની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીઓએ 12કાયદેસરના વારસદારો હોવાનું જાણવા છતાં ફારગતિ લેખ બનાવીને પાંચ સંતાનોના નામે ખોટું પેઢીનામું દર્શાવીને અન્ય વારસદાર ન હોવાનું જણાવીને તેમના હક્ક હિસ્સાને ડુબાડયા છે.આરોપીઓ મિલકત બિલ્ડર મુકેશ રૃપારેલીયાને વેચીને આર્થિક લાભ મેળવ્યો હોઈ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી છે.જેને કોર્ટે માન્ય રાખી ગુનાના મૂળ સુધી પહોંચવ આરોપી પ્રકાશ દેસાઈની કસ્ટડીમાં પુછપરછ જરૃરી હોવાનું જણાવી આગોતરા જામીનની માંગને નકારી કાઢી છે.