ટેક્સટાઈલ ટ્રેલર સાથે 3.95 કરોડની ઠગાઈમાં આગોતરા જામીન નકારાયા
આરએનસી એન્ટરપ્રાઈઝ પેઢીના નામે દલાલો મારફત માલ મંગાવી ઓછા ભાવે બારોબાર વેચી ઉઠમણું કર્યું હતું
સુરત
આરએનસી એન્ટરપ્રાઈઝ પેઢીના નામે દલાલો મારફત માલ મંગાવી ઓછા ભાવે બારોબાર વેચી ઉઠમણું કર્યું હતું
આરએનસી પેઢીના નામે વેપારીઓ પાસેથી કુલ 3.95 કરોડનો ઉધાર માલ ખરીદીને પેમેન્ટ ચુકવ્યા વિના દુકાનના શટર પાડીને નાસી ગયેલા આરોપીએ વરાછા પોલીસની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગ એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે.
સુરત ટેક્સટાઈલ માર્કેટના ફરિયાદી વેપારી તથા અન્ય વેપારીઓ પાસેથી આરએનસી એન્ટરપ્રાઈઝના આરોપી સંચાલકો અનસ ઈકબાલ મોતીયાણી,અજીમ રફીક ઉર્ફે અલ્લારખ્ખા પેનવાલા તથા તેમના દલાલોએ સાથે મળીને કુલ 3.95 કરોડનો માલ માર્કેટ ભાવે ખરીદી અન્યને ઓછા ભાવે વેચી તેના બિલો રવિ તથા અશ્વિન જેઠુભા ગોહીલની ઓમ ફેબ્રિક્સ તથા અજીમ પેનવાલાની આયશા ટેક્સટાઈલના નામના બિલો બનાવ્યા હતા.આરોપીઓએ રોકડમાં પેમેન્ટ મેળવી ફરિયાદી તથા અન્ય વેપારીઓને પેમેન્ટ ચુકવવાના બદલે ઉઠમણું કરી નાસી ગયા હતા.
આ અંગે વરાછા પોલીસમાં નોંધાયેલી ગુનાઈત ફોર્જરી ઠગાઈના કારસા બદલ દુબઈ ભાગી ગયેલ આરોપી અનસ ઈકબાલ મોતીયાણી(રે.અલનૂર પેલેસ,રાણી તળાવ )એ પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન માંગ્યા હતા.આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ચાર્જશીટ રજુ થવા,સહ આરોપી અશ્વિન જેઠુભાને શરતી જામીન આપ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આ કેસમાં સાત આરોપીઓ પૈકી હાલના આરોપી માસ્ટર માઈન્ડ હોઈ દુબઈ ભાગી ગયો હોઈ આગોતરા જામીન મળવા પાત્ર નથી.આરોપી વિરુધ્ધ વરાછા ખાતે આવા જ પ્રકારનો 17.53 કરોડના માલ ખરીદીનો બીજો ગુનો નોંધાયો છે.જેમાં 138 લોકો ભોગ બનનાર છે.જેથી આરોપીની ગુનામાં સક્રીય સંડોવણીને ધ્યાને લઈ કોર્ટે આરોપીને સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીનની માંગને નકારી કાઢી છે