Gujarat

વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ

By GS TEAM
7 Dec 20251 min read
વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ

વડોદરા : રોકાણકારોના નાણાં પાંચ વર્ષમાં ડબલ થશે તેમજ ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષની એફડી પર ઉંચુ વ્યાજ આપવામાં આવશે તેમ જણાવી અનેક લોકો સાથે કરોડોની ઠગાઇ કરવાના બનાવમાં સંડોવાયેલા વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લિ.ના ડાયરેક્ટરે આગોતરા જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી રદ કરી હતી.

કેસની વિગત એવી છે કે, તા.૧૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અવધ ગુપ્તાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમા વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર, ડાયરેક્ટર,મેનેજર સહિતના ૧૨ આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ એજન્ટની નિમણૂંક કરી તેમની કંપનીમાં નાણાંનું રોકાણ કરનારને ઉંચુ વળતર મળશે તેવી સ્કીમ જાહેર કરી હતી.

આરોપીએ પાંચ વર્ષમાં નાણાં ડબલ થશે તેમજ અન્ય વિવિધ સ્કીમમાં પણ ઉંચુ વળતર મળશે તેમ જણાવતા અનેક લોકોએ માતબર રકમનું રોકાણ કર્યું હતું અને ત્યાર બાદ આરોપીઓએ પાકતી મુદતે રોકાણકારોને નાણાં પરત ન કરી ઓફિસને તાળા મારી દીધા હતા. આ અંગે સયાજીગંજ પોલીસે તપાસ શરુ કરી હતી, જેમાં લોકોએ રૃા.૩.૮૪ કરોડથી વધુની રકમ ગુમાવી હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં સંડોવાયેલા કંપનીના ડાયરેક્ટર ગિરિરાજ બેંગ(રહે.મહારાષ્ટ્ર)એ આગોતરા જામીન અરજી મૂકતા સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલ કરી હતી. ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.