Gujarat

નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર

By GS TEAM
21 Nov 20251 min read
નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર

વડોદરા : અલકાપુરી વિસ્તારમાં આવેલી નારાયણ જ્વેલર્સની મિલકત વેચી નાખવાના બનાવમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસ ધરપકડ કરશે તેમ જણાંતા મિલકત ખરીદનાર શખ્સે કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, હરીશ ચોક્સી, ધનંજય ચોક્સી સહિતના આરોપીઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, પાવર ઓફ એટર્નીમાં મિલકત વેંચવાના કોઇ હક્ક આપવામાં આવ્યા ન હોવા છતાં આ મિલકત ૨.૮૦ કરોડમાં  બાલાભાઇ પટેલેને વેંચી દીધી હતી. વેંચાણ દસ્તાવેદ ધનંજય ચોક્સીએ કરી આપ્યો હતો.

આ બનાવમાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેમ જણાતા બાલાભાઇ પટેલે આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, કરોડોની મિલકત ખરીદતા પહેલા અરજદારે ટાઇટલની ખરાઇ કરી નથી. દસ્તાવેજમાં ખોટુ કથન કરાયું છે કે મિલકતનો કોઇ દીવાની કે, ફોજદારી દાવો ચાલતો નથી, પરંતુ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે. મિલકત ખરીદવા માટેના નાણાં કેવી રીતે ચૂકવાયા તેની તપાસ કરવાની જરુર છે અને કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરુરી છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.