Gujarat

બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

By GS TEAM
6 Oct 20251 min read
બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

વડોદરા : બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું જણાવી અનેક યુવકો પાસેથી રૃા.૨ કરોડથી વધુ રકમ મેળવી તેમને બનાવટી જોઇનિંગ લેટર આપી અંદાજે બે કરોડથી વધુની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, દુષ્યંત શિરવે અને પ્રિતેશ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બન્ને આરોપીઓએ વિવિધ યુવકોને બરોડા ડેરીમાં નોકરીની લાલચ આપી લાખોની રકમ મેળવી હતી અને ત્યાર બાદ બન્ને આરોપીઓએ યુવકોને બનાવટી જોઇનિંગ લેટર પણ આપ્યા હતા. આરોપીઓએ બનાવટી લેટર પેડ તૈયાર કર્યા હતા અને તેમાં બરોડા ડેરીના ડિરેક્ટરની બોગસ સહી કરી હતી.

આ કૌભાંડ સપાટી પર આવતા બરોડા ડેરીએ ખાતાકીય તપાસ શરુ કરતા તેની તપાસમાં ચાર યુવકોએ, તેમણે આરોપીઓને રૃા.૧૪ લાખથી લઇને રૃા.૧૬ લાખ ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસમાં ૧૫ થી ૧૬ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અને છેતરપિંડીનો આંક બે કરોડથી વધુ હોવાનું જણાતા પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી હતી. દરમિયાનમાં આરોપી દુષ્યંત રવીન્દ્રભાઇ શિરવીએ પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.