નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં સુપરવાઈઝરને ઢોર માર માર્યો

- અમદાવાદ- વડોદરા હાઈવે પર ડભાણ પાસે ભરબપોરની ઘટના
- મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સળિયો અને દંડો લઈ તૂટી પડયા ખેડા જિલ્લામાં પોલીસની અસામાજિક તત્વો સામે ધાકનું સૂરસૂરિયું
નડિયાદના ડભાણ પાસે આવેલી અશોક ટ્રેક પ્રાઈવેટ કંપનીના સુપરવાઈઝર જ્ઞાાનધર રામનાથ તિવારી (રહે. સંતરામ ધામ સોસાયટી, ડભાણ) ગતરોજ બપોરના સમયે પોતાના ઘરેથી જમીને મોટરસાયકલ પર કંપનીએ પરત જઈ રહ્યા હતા.
ડભાણ ગામની સીમમાં મહાદેવ મંદિર સામેથી પસાર થતી વખતે, એક મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ જ્ઞાનધર તિવારી પર અચાનક હુમલો કર્યો હતો.
લાકડાના ડંડા અને લોખંડના સળિયા વડે જ્ઞાનધરભાઈના ચહેરા અને માથાના ભાગે નિર્દયતાપૂર્વક મારમાર્યો હતો.
મારના કારણે જ્ઞાનધરભાઈ મોટરસાયકલ સાથે રોડ પર પટકાયા હતા, છતાં હુમલાખોરોએ તેમને મારવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાંથી પસાર થતા કંપનીના કર્મચારી યશ રાઠોડે આ ઘટનાનો વીડિયો ઉતારી કંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
વીડિયો ઉતારાયા બાદ ત્રણેય હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ જ્ઞાનધરને સારવારમ માટે ખસેડાયા છે. ખેડા જિલ્લા પોલીસ સામે અનેક પ્રશ્નો સર્જાયા છે.
તાજેતરમાં જ અસામાજિક તત્વો વિરુદ્ધ ધાક બેસાડવા માટે રાજ્ય સરકારે ૧૦૦ કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી અને તેમની સામે તડીપાર અને પાસા જેવા કેસો કરવા ફરમાન કર્યું હતું. છતાં રાજ્ય સરકારના આ ફરમાનનું ખેડા જિલ્લામાં સૂરસૂરિયું થઈ ગયું હોય તેમ પોલીસની ધાકની ઐસી-તૈસી અસામાજિક તત્વોએ કરી નાખી છે.
ત્રણ દાંત પાડી નાખી જડબુ ચીરી નાખતા ઈજાગ્રસ્ત બોલી શકતા નથી
અસમાજિક તત્વોએ બેરહેમીથી જ્ઞાનધર તિવારીને માર મારી જડબામાં ચિરો પાડી દેવા સાથે ત્રણ દાંત પાડી નાખ્યા હતા. હાથ અને પગે પણ અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમને કપાળ, ચહેરા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તેઓ બોલી શકે તેવી સ્થિતિમાં પણ રહ્યા નથી.
ગુંડાઓ બેફામ : ગુનેગારોને ઝડપી પાડી કડક સજા કરવા માંગણી
નડિયાદ અને ખેડા જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક બેફામ બન્યો છે. દિવસેને દિવસે આવા તત્વોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે પોલીસ તંત્ર નિષ્ફળ નીવડતા પ્રજાજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આવા ગુંડા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. નડિયાદ પોલીસ તાત્કાલિક ગુનેગારોને ઝડપી પાડી કડકમાં કડક સજા કરે અને આવા તત્વો પર લગામ કસવામાં આવે તેવી માંગણી ઉઠી છે.








