ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ!
કાર્યવાહીમાં ઢીલાશથી અસમાજિક તત્વોએ ફરિયાદીના ઘરે પહોંચી બબાલ કરી
ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ વધતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં દારૂની મહેફીલનો વિરોધ કરતા વેપારી પર બે શખ્સોએ હુમલો કરી સોનાની ચેઇન, લકી, રોકડ રકમ તથા મોબાઇલ લૂંટી લીધો હોવાની માહિતી સામે આવી છે.
ફરિયાદી ગૌરાંગ પટેલે નવાપુરા પોલીસ મથકે અરજી આપી હોવા છતાં પોલીસ કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. વેપારીએ કોર્પોરેશન સંકુલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા હતા. તેમ છતાં અસમાજિક તત્વો સામે કડક પગલાં ન લેવાતા તેઓ હિંમત સાથે ફરી ફરિયાદીના ઘરે પહોંચી બબાલ કરી હતી અને ફરિયાદીની માતાને ધમકી આપતાં પરિવારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ફરિયાદીનું કહેવું છે કે, ત્રણ દિવસ અગાઉ સવારે ત્રણ વાગ્યે તે રાબેતા મુજબ વેપાર માટે આવ્યો હતો, ત્યારે બે વ્યક્તિઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેનો તેનો વિરોધ કરતાં મને માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં બલ્લી, સુનિલ કહાર અને હોકી નામના શખ્સોની સંડોવણી છે. જ્યારે નવાપુરા પીઆઇનું કહેવું હતું કે, આ બનાવમાં સુનિલ કહારને પણ માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હોય હોસ્પિટલમાં એડમીટ હતો. આજે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે.