ગોત્રીના ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં કારચાલક અને તેના મિત્રને બીયર આપનાર અને વચેટિયા સહિત વધુ બે પકડાયા
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરી ત્રણ વાહનોને અડફેટમાં લેનાર કાર ચાલક અને તેના સાગરીતે જ્યાંથી દારૃ લીધો હતો તેને અને વચેટિયા મિત્રને ઝડપી પાડતાં સમગ્ર પ્રકરણમાં કુલ ચારની ધરપકડ થઇ છે.
ગોત્રી હરિનગર બ્રિજથી પ્રથમ ચારરસ્તા તરફ જવાના માર્ગે સ્ટેટ બેન્ક પાસે ગઇકાલે સવારે નશામાં ધૂત કારચાલક વિજય શીશપાલ કુમાવત(યોગેશ્વર સોસયટી, મધર સ્કૂલ પાછળ,ગોત્રી)એ એક પછી એક ત્રણ વાહનોને ટક્કર મારતાં લોકોએ તેને તેમજ તેની સાથે બેઠેલા મિત્ર વ્રજ નરેન્દ્રભાઇ બારોટ (નવનાથ સોસાયટી, રામેશ્વર સોસાયટી પાસે,ગોત્રી)ને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા.
ગોત્રીના ઇન્ચાર્જ પીઆઇ ડીવી બલદાનિયાએ તપાસ કરતાં બંને મિત્રો દારૃના નશામાં હતા અને તેમની કારમાંથી બે ખાલી અને એક ભરેલી બીયર પણ મળી હતી.જેથી પોલીસે ત્રણ ગુના નોંધી ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન બીયરના ટીન વ્રજ બારોટે ગોત્રીમાં શકન ચારરસ્તા પાસે રહેતા મિત્ર વીર પ્રિતેશભાઇ શર્મા પાસે મંગાવ્યા હોવાની વિગતો ખૂલી હતી.જેથી વીર શર્માની અટકાયત કરતાં તેણે કાર ચાલક અને તેના મિત્ર વ્રજને સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં લઇ જઇ સાવન ઘનશ્યામ મારવાડી પાસે બીયર અપાવ્યાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે વીર અને સાવનની ધરપકડ કરી છે.