હીરા વેપારીના ઘરમાંથી રૂ. 10.90 લાખના દાગીનાની ચોરીમાં વધુ એક બનાસકાંઠાથી ઝબ્બે
- પાર્લેપોઇન્ટના વેપારીએ બે ઘરઘાટી વિરૂધ્ધ શંકા વ્યકત કરી હતીઃ બંનેની પૂછપરછના આધારે વધુ એકને ઝડપી પાડી દાગીના કબ્જે લીધા
સુરત
સુરતના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતા હીરા વેપારીના ઘરમાંથી રૂ. 10.90 લાખના દાગીના ચોરી કરનાર બે ઘરઘાટીના વધુ એક સાથીદારને ઉમરા પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબ્જે લીધો છે.
મહિધરપુરા ખાતે પરમ ડાયમંડ નામે ધંધો કરતા પ્રિત અતુલકુમાર શાહ પાર્લે પોઇન્ટ સ્થિત મેઘમયુર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહે છે. ગત શનિવારે પરિવાર સાથે પ્રિત મુંબઇ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે પત્ની જીનાગ્નાએ કબાટ ખોલ્યો હતો. પરંતુ તેમાંથી સોનાના હીરાજડિત રૂ. 10.90 લાખના દાગીના ગાયબ હતા. જેથી પ્રિત અને તેના પરિવારે છેલ્લા ચારેક વર્ષથી રસોઇ કામ કરતા દીપક ઉર્ફે રગારામ રબારી અને ઘરકામ કરતા પ્રહલાદ ઉર્ફે છોટુ ચૌધરીની પૂછપરછ કરી હતી. તિજોરી તૂટ ન હતી અને તેમાંથી દાગીના ગાયબ થયા હતા. ઉપરાંત કબાટની ચાવી કયાં હોય છે તેનાથી દિપક વાકેફ હોવાથી બંને વિરૂધ્ધ પ્રિતે ચોરી કર્યાની શંકા વ્યકત કરતી ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે બંનેને ત્રણ દિવસ બે દિવસ અગાઉ ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી હતી. જેના આધારે રાહુલ રમેશ પુરોહિત (ઉ.વ. 18 રહે. કુબેરનગર-1, કતારગામ દરવાજા અને મૂળ. રામપુરા, બાપડા રોડ, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા) ની તેના વતન ખાતેથી ધરપકડ કરી તમામ દાગીના કબ્જે લીધા છે. દીપક અને પ્રહલાદે ચોરી કર્યા બાદ દીપકે કતારગામ ખાતે હીરામાં નોકરી કરતા હમવતની રાહુલને બોલાવીને દાગીના આપી દઇ વતન ચાલ્યા જવાનું કહ્યું હતું.