Get The App

કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી, ATSએ કર્યા ખુલાસા

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી, ATSએ કર્યા ખુલાસા 1 - image


Spy Arrested on Kutch Border : પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. તાજેતરમાં ગુજરાત એટીએસે નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કર્યા બાદ ગુજરાત એટીએસ (ATS) એ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે. તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર (કોન્ટ્રાક્ટ) પર કામ કરતો હતો.

પોલીસને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને 1 મેના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ બોલાવ્યો હતો.
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી, ATSએ કર્યા ખુલાસા 2 - image

પાકિસ્તાની એજન્ટ યુવતીના સંપર્કમાં આવ્યો સહદેવસિંહ

વર્ષ 2023ના જૂન-જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને BSFની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા.

પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ

સહદેવે પોતાના આધારકાર્ડથી એક સીમ કાર્ડ લઈ, તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરી OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા અદિતિને આપ્યું હતું. તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો. સહદેવે ત્રણ-ચાર વીડિયો અને ફોટો શેર કર્યા હતા, કેટલાક ડિલીટ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસૂસીનું આ કામ શરૂ કર્યું હતું. આ કામ માટે તેને એક વખત 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે. હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે.

મહત્વનું છે કે આ અગાઉ પોરબંદરમાં પણ જાસૂસીનો જે કેસ સામે આવ્યો હતો તેની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી - MO) પણ આવી જ હતી. એ કેસમાં જે યુવતી હતી તે આજ છે કે નહીં તેની માહિતી નથી મળી કારણ કે આ લોકો નંબર બદલતા રહે છે તેવું એટીએસનું કહેવું છે.

એટીએસએ સહદેવસિંહનો મોબાઈલ ફોન ફોરેન્સિક વિશ્લેષણ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલ્યો છે. ડીવાસની વિગતવાર તપાસમાં આરોપીના પાકિસ્તાની હેન્ડલર સાથેના સંદેશાવ્યવહાર અને ડેટા આપ-લેના નોંધપાત્ર પુરાવા મળ્યા છે.

પહેલાં પણ એક કચ્છી યુવક અદિતિની જાળમાં ફસાયો હતો

ઉલ્લેખનીય છે કે આ અગાઉ એટીએસે સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં પ્યૂન તરીકે હંગામી નોકરી કરતા નીલેશ વાલજીભાઈ બળીયા નામના યુવકની 7 જુલાઇ 2023ના રોજ જાસૂસી બદલ ધરપકડ કરી હતી. આ યુવક પણ અદિતિ નામની પાકિસ્તાની મહિલા હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો અને અંગત આર્થિક લાભ માટે તેણે બીએસએફ બોર્ડર પર થતાં બાંધકામો અને ભાવિ બંધકામોની માહિતી શેર કરી હતી. 
Tags :