Gujarat

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો

By GS TEAM
6 Apr 20262 mins read
ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો

નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઉબેદના બોડીગાર્ડની ધરપકડ

સર્ચ ઓપરેશન દરમિયાન ૫૦ જીવતા કટસ મળ્યા હતા, ૩૦ કટસના બિલ રજૂ કરાયા

ભાવનગર -  શહેરના નવાપરામાં થયેલ ફાયરિંગની ઘટનામાં ફરિયાદ થયા બાદ ઇન્ડિયા હાઉસમાં હાથ ધરાયેલ સર્ચ દરમિયાન જીવતા કાર્ટિસ અને વિદેશી દારૃની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવતા ગુનો નોંધાવા પામ્યો હતો. જ્યારે તપાસ દરમિયાન ૨૦ કાર્ટિસનો હિસાબ નહીં મળતા અને બોડીગાર્ડના કાર્ટિસ ઉબેદના ઘરમાંથી મળી આવવા બદલ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કર્યો હતો.

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણ શહેરભરમાં ચર્ચા જગાવી દીધી હતી અને પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી ફાયરીંગ કરનાર ઇસમોની ધરપકડ કરી હતી. જ્યારે હાલારી બંધુઓ ફરાર હતા. હાલારી બંધુઓ સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલ ઇન્ડિયા હાઉસમાં છુપાયેલા હોવાની બાતમીના આધારે એસપી સહિતના પોલીસ કાફલાએ ઇન્ડિયા હાઉસમાં દરોડો કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ૫૦ જીવતા કટસ અને વિદેશી દારૃની બોટલ અને કાળિયારના શીંગડા તેમજ પોકેટ મંકી મળી આવ્યા હતા આ સમગ્ર પ્રકરણમાં ઉબેદ શેખ અને તેના ભાઈ વિરુદ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં ઉબેદબંધુઓની ધરપકડ કરી કટસ અંગેની પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન ઉબેદ બંધુઓએ કટસ તેમના બોડીગાર્ડની હોવાનું જણાવ્યું હતું. કટસ અંગે તાળો મેળવવા એસઓજીએ બોડીગાર્ડ સુરેન્દ્ર પ્રતાપ ત્યાગી (રહે .હાલ ઇન્ડિયા હાઉસ, મૂળ મધ્યપ્રદેશ) ને નોટિસ પાઠવી હતી અને બોડીગાર્ડ હાજર થયો હતો અને પોલીસે ધરપકડ કરી કટસ અને પૂછપરછ કરતા ૩૦ કટસનું બિલ રજૂ કર્યું હતું અને બાકી રહેલા ૨૦ કટસનો હિસાબ મળ્યો નહતો ત્યારે બોડીગાર્ડના કટસ ઉબેદ શેખના ઘરમાંથી મળી આવવા બદલ પોલીસે ઉબેદ બંધુઓની ફરિયાદમાં કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉબેદ બંધુઓનો બોડીગાર્ડ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો

ઉબેદ શેખનો બોડીગાર્ડ સુરેન્દ્ર પ્રતાપ ત્યાગી સર્ચ ઓપરેશન દરમિયાન મૂળ વતન મધ્યપ્રદેશ ખાતે જતો રહ્યો હતો અને પોલીસે કટસ અંગેની પૂછપરછ કરવા માટે બોડીગાર્ડને નોટિસ પાઠવી હતી અને તેની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ કરવામાં આવી હતી.