Gujarat

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમણૂંક રદ

By GS Team
15 Aug 20252 mins read
This article was originally published on 15 Aug 2025
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમણૂંક રદ

અમદાવાદ,ગુરુવાર,14 ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ સામે આવતા સહાયક સર્વેયર, સબ ઈન્સપેકટર એસ્ટેટ,ટી.ડી.ઓ.થી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીઓની નિમણૂંક રદ કરાઈ છે.આ મામલે કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ હાથ ધરવાની તજવીજ શરુ કરાઈ છે.જાન્યુઆરી મહીનામાં ત્રણ ઉમેદવારને મળેલા માર્કમાં વધુ માર્ક ઉમેરી નોકરી અપાવવાનુ કૌભાંડ બહાર આવ્યા પછી તપાસ સમિતિની રચના કરાઈ હતી. કમિટીની તપાસમાં મે-૨૩થી ઓકટોબર-૨૪ દરમિયાન આ આઠ કર્મચારીઓને મળેલા માર્કમાં વધારો કરી નિમણૂંક અપાઈ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો.

જાન્યુઆરી-૨૫માં કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઈઝરની જગ્યા ભરવા પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં ગેરરીતી આચરવામા આવી હોવાની ફરિયાદ પછી તપાસ કરાઈ હતી.કોર્પોરેશનના જ હેડ કલાર્ક પુલકીત સથવારાએ ત્રણ ઉમેદવારોને મળેલા માર્કમાં વધુ માર્ક ઉમેરી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર રીઝલ્ટ શીટ મુકી દીધી હોવાની વિગત બહાર આવી હતી. એ સમયે મોના લીંબાચીયા નામના ઉમેદવારને ૧૮.૨૫ માર્ક મળ્યા હતા.તેમાં વધારો કરી ૮૫ માર્ક કરી દેવાયા હતા.તમન્નાકુમારી પટેલને મળેલા ૧૮.૫૦ માર્કના બદલે ૭૭ માર્ક કરી દેવાયા હતા.જયારે જય પટેલને મળેલા ૧૯.૨૫ માર્કને બદલે ૮૫ માર્ક મળ્યા હોવાનુ ખોટુ મેરીટ કાર્ડ બનાવાયુ હતુ.હેડ કલાર્કને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તમામ ઉમેદવારોની નિમણૂંક રદ કરાઈ હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે કહયુ,જાન્યુઆરીમાં ભરતી કૌભાંડ બહાર આવ્યા પછી લેબર ઓફિસર, ડીરેકટર વિજિલન્સ ઉપરાંત એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ) તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(પશ્ચિમઝોન)ની તપાસ સમિતિ બનાવાઈ હતી.તપાસ કમિટીએ ૧ જાન્યુઆરી-૨૧ પછી  જુદા જુદા વિભાગ માટે  યોજાયેલી પરીક્ષામાં પસંદ કરાયેલા ૨૭૮૬ ઉમેદવારો તથા ૧૩૧૬ ઉમેદવારો કે જેમને પ્રતિક્ષાયાદીમા મુકાયા છે.તમામને મળેલા માર્ક અંગે તપાસ કરી હતી.જેમાં  વધુ આઠ કર્મચારીઓને મળેલા માર્ક સાથે ચેડા કરી વધુ માર્ક ઉમેરી આપવામા આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

કોની નિમણૂંક રદ કરાઈ?

જગ્યાનુ નામ                    ઉમેદવાર

- સહાયક સર્વેયર, એસ્ટેટ,ટી.ડી.ઓ.     મહોમદભાઈ આસિફભાઈ

-સબ ઈન્સપેકટર, એસ્ટેટ,ટી.ડી.ઓ.     જય યશવંતરાય પરમાર

-સહાયક સેનેટરી સબ ઈન્સપેકટર       ઉજાસકુમાર રાકેશભાઈ

-સહાયક સેનેટરી સબ ઈન્સપેકટર       પંકજભાઈ હીંમતભાઈ

-સહાયક સેનેટરી સબ ઈન્સપેકટર       યુવરાજસિંહ ઝાલા

-ફાર્માસીસ્ટ                          આસિફભાઈ ઈમરાનભાઈ

-ફિમેલ હેલ્થ વર્કર                      સાક્ષી સોઢા

-ફિમેલ હેલ્થ વર્કર                      રેખા પટેલ

કોણે માર્ક ઉમેર્યા, કોણ જવાબદાર એનો કોર્પોરેશન પાસે જવાબ નથી

જે આઠ કર્મચારીઓની નિમણૂંક રદ તો કરી દેવાઈ.પરંતુ આ કર્મચારીઓની જે તે વિભાગમાં કયારે ભરતી કરાઈ હતી.કોણે માર્ક ઉમેર્યા,કોર્પોરેશનના કયા-કયા અધિકારીઓની આ ભરતી કૌભાંડમાં સંડોવણી છે તે અંગે કોર્પોરેશનના અધિકારીઓએ જવાબ આપવાનુ ટાળી દીધુ હતુ.