અડાલજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત

જિલ્લાના માર્ગો પર વધતા અકસ્માતો વચ્ચે
અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર ઃ પોલીસે મૃતકની ઓળખ માટે
દોડધામ શરૃ કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ શનિદેવ મંદિર પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બહાર આવી હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ અજાણ્યા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. જે ઘટના સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા ફરાર વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને આ વ્યક્તિની ઓળખ માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ સ્થિતિમાં
અડાલજના શનિદેવ મંદિર પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું
છે. જે ઘટના સંદર્ભે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ શનિદેવ મંદિર
પાસે ગત ૧૫ જૂનના રોજ એક વાહન ચાલક દ્વારા અહીંથી પસાર થતાં વ્યક્તિને હડફેટે
લેવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. આ
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ વ્યક્તિને સારવાર માટે ૧૦૮
એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે આ વ્યક્તિ
વીરેનભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગઈકાલે સારવાર દરમિયાન અમદાવાદ
હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે અહીં કામ કરતા રાકેશ
કુમાર કોરીની ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ
કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનના
બનાવો વધી રહ્યા છે પરંતુ અકસ્માત સર્જીને ફરાર થઈ જતા વાહન ચાલકો સમયસર પકડમાં
આવતા નથી.








