મગદલ્લામાં બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ અને ગાંજો સપ્લાય કરનાર વધુ એક ઝડપાયો

- બર્થડે બોય અમીતકુમાર યાદવને પાર્ટીમાં ડ્રગ્સ જોઈતું હોય મૂળ ભરૂચ મોટા ટંકારીયાના અયાઝ પટેલે એમ.ડી.ડ્રગ્સ અને ગાંજો વેચાતો આપ્યો હતો
- સીઆઈડી ક્રાઈમના નાર્કોટીક્સ સેલે મગદલ્લામાં બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ, ગાંજો અને દારૂની મહેફીલ માણતા બર્થડે બોય સહિત 14 ને નવ મહિના અગાઉ પકડયા હતા
સુરત, : સીઆઈડી ક્રાઈમના નાર્કોટીક્સ સેલે મગદલ્લામાં બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ, ગાંજો અને દારૂની મહેફીલ માણતા બર્થડે બોય સહિત 14 ને નવ મહિના અગાઉ પકડયા હતા.આ બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ અને ગાંજો સપ્લાય કરનાર વધુ એક યુવાનને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો સીઆઈડી ક્રાઈમને સોંપ્યો છે.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઈમના નાર્કોટીક્સ સેલે ગત 20 ઓક્ટોબર 2024 ના રોજ સુરતના મગદલ્લા કરીઝમા મહોલ્લો સ્થિત જલારામ કુટીર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં રેડ કરી ત્યાં ડ્રગ્સ, ગાંજો અને દારૂની મહેફીલ માણતા બર્થડે બોય અમિતકુમાર અત્તરસીંગ યાદવ સહિત 14 યુવક-યુવતીને ઝડપી લીધા હતા.સીઆઈડી ક્રાઈમના નાર્કોટીક્સ સેલે પાંચ પુરુષ અને નવ મહિલા પાસેથી 9.31 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, 22.83 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, દારૂની 7 અધૂરી બોટલ, ગ્લાસમાં દારૂ, સિગારેટ વિગેરે મળી રૂ.4.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડ્રગ્સ અને ગાંજો સપ્લાય કરનાર સંદીપ, અયાઝ પટેલ અને પ્રતિક રોશાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન, ડ્રગ્સ સપ્લાય કરવામાં જેનું નામ બહાર આવ્યું હતું તે પ્રતિક રોશાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે જાતે ડ્રગ્સ સપ્લાય કર્યું નહોતું.પણ બર્થડે બોય અમીતકુમાર યાદવને પાર્ટીમાં ડ્રગ્સ જોઈતું હોય તેણે તેને વાત કરતા તેણે મિત્ર મોહસીન ઉર્ફે મુનાવરને વાત કરતા તેણે ડ્રગ્સ પહોંચાડયું હતું.આથી એસઓજીએ અઠવાડીયા અગાઉ મોહમદ મોહસીન ઉર્ફે મુનાવર હાસીમ શેખ ( ઉ.વ.35, રહે.ઘર નં.7/1712, ચૌથામાળે, સૈયદપુરા ટુંકી, ભંડારીવાડ, સુરત ) ને ઝડપી લીધો હતો.બાદમાં આજરોજ એસઓજીના એએસઆઈ મો.મુનાફ ગુલામરસુલ અને મો.સિદ્દીક ગુલામમોહમદને મળેલી બાતમીના આધારે વોન્ટેડ મોહમદ અયાઝ ફિરોઝ અહેમદ પટેલ ( ઉ.વ.29, રહે.અઠવા ખાડી રોડ, સુરત. મૂળ રહે.અમન કોલોની, મોટા ટંકારીયા, ભરૂચ ) ને સગરામપુરા તલાવડી પાસેથી ઝડપી લીધો હતો.અયાઝે બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ અને ગાંજો સપ્લાય કર્યા હતા.એસઓજીએ તેનો કબજો સીઆઈડી ક્રાઈમને સોંપ્યો છે.









