બ્રિજ વિભાગની વઘુ એક બેદરકારી, ૧૪ વર્ષ જુના દધીચિ બ્રિજ ઉપર પોપડાં ઉખડતા સમારકામ કરાયું

અમદાવાદ,શુક્રવાર,2
જાન્યુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગની
વધુ એક બેદરકારી સામે આવી છે.૧૪ વર્ષ જુના વાડજ અને દૂધેશ્વરને જોડતાં દધીચિ બ્રિજ
ઉપર પોપડાં ઉખડી અને સળિયા બહાર દેખાયા હોવાનો વિડીયો વાઈરલ થતાં વિભાગના અધિકારીઓએ તાકીદે બ્રિજ ઉપર સમારકામ
કરાવવાની ફરજ પડી હતી. જુલાઈ-૨૫માં કોર્પોરેશનને વિવિધ બ્રિજના ઈન્સપેકશનનો
રીપોર્ટ સોંપવામા આવ્યો હતો. આ રીપોર્ટમાં દધીચિ બ્રિજનું સમયાંતરે નિરીક્ષણ કરવા
ઉપર ભાર મુકવામા આવ્યો હતો.નોંધનીય છે કે,
આ બ્રિજ ઉપરથી રોજના અંદાજે એક લાખ વાહન પસાર થતા હોય છે.
કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગની અત્યારસુધીમા સૌથી
નબળી કામગીરી છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે. સુભાષબ્રિજ નવ મહિના માટે બંધ
કરવામા આવ્યા પછી શુક્રવારે વર્ષ-૨૦૧૧માં રુપિયા ૪૮.૭૮ કરોડના ખર્ચથી તૈયાર
કરાયેલા દઘીચી બ્રિજ ઉપર પોપડાં ઉખડયા હોવાની વિગત સામે આવી હતી.જૂલાઈ મહિનામા
પંકજ એમ પટેલ દ્વારા આ બ્રિજના ઈન્સપેકશનનો રીપોર્ટ તંત્રને આપવામા આવ્યો હતો.
ઈન્સપેકશન રીપોર્ટમાં બ્રિજની ઓવરઓલ
કન્ડીશન સારી હોવાનુ કહેવામા આવ્યુ હતુ. આ ઉપરાંત પીએસસી બોકસ ગર્ડર સિવાય નાની
તિરાડો જોવા મળી હોવાના ઉલ્લેખ સાથે આ બ્રિજને રેગ્યુલર ઈન્ટરવલમાં નિરીક્ષણ હેઠળ
રાખવો એમ ઉલેલેખ કરવામા આવ્યો હતો.








