બેંકના 16.38 કરોડના લોન કૌભાંડમાં વધુ એક લોનધારકની ધરપકડ
મૂળ અમરેલીના અશોક કાનપરીયા યાર્નનો ધંધો કરતા નહોતા છતાં બોગસ પેઢીના નામે ખાતું ખોલાવી રૂ. 1 કરોડની લોન લીધી હતી : બેન્ક મેનેજરે 3 વેલ્યુઅર, 17 લોનધારકો સાથે મળી કૌભાંડ આચરતા કુલ 27 વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો
સુરત/ અમરેલી : સુરતના રીંગરોડ સ્થિત તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કમાં રૂ. 16.38 કરોડના લોન કૌભાંડમાં યાર્નનો ધંધો કરતા ન હોવા છતાં બોગસ પેઢીના નામે ખાતું ખોલાવી રૂ. 1 કરોડની સી.સી. લોન લેનાર લોનધારકની ઈકો સેલે ધરપકડ કરી છે. ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ સ્થિત તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કમાંથી મશીનરી લોનના નામે રૂ. 16.51 કરોડનું કૌભાંડ અગાઉ આચરનાર બેન્ક મેનેજર સુંદર રાજેન્દ્રન સુમ્બીયાહ (રૂપાલી કો.ઓ.હાઉસીંગ સોસાયટી, ભટાર, સુરત) નું વધુ એક કૌભાંડ બહાર આવ્યું હતું. મેનેજરે અગાઉ જેના વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તે વેલ્યુઅર સહિત ત્રણ વેલ્યુઅર અને 17 લોનધારકો સાથે મળી વિવિધ ધંધા માટે લોન અપાવી બાદમાં પૈસા અન્યત્ર વાપરી લોન ભરપાઈ નહીં કરતા કુલ 27 વિરૂદ્ધ એક વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેની તપાસ ઈકો સેલ કરી રહ્યું હતું.ઈકો સેલે આ ગુનામાં બેન્ક મેનેજર સહિત કુલ 28 ની ધરપકડ કરી હતી.
દરમિયાન, યાર્નનો ધંધો કરતા ન હોવા છતાં બોગસ પેઢી મેરીલ એન્ટરપ્રાઇઝના નામે ખાતું ખોલાવી રૂ. 1 કરોડની સી.સી. લોન લેનાર લોનધારક અશોક કાળુભાઇ કાનપરીયા (રહ. જુની ગ્રામ પંચાયત પાસે, આમાપુર, તા.બગસરા, જી.અમરેલી) ની ધરપકડ કરી હતી.અશોક કાનપરીયાએ પત્ની શીતલની બોગસ પેઢી જાનુ એન્ટરપ્રાઈઝના નામે રૂ. 1 કરોડ, ભાઈ સંજયની બોગસ પેઢીના સીઘ્ધાર્થ ફેશનના નામે પણ રૂ.૭૫ લાખની લોન લીધી હતી.વધુ તપાસ પીએસઆઈ વાય.જી.ગીરનાર કરી રહ્યા છે.