ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ
જિલ્લામાં જમીન સંબંધીત વધતી છેતરપિંડીની ઘટનાઓ વચ્ચે
ખેડૂતોએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો છતાં અન્યને બારોબાર વેચી દીધાનું બહાર આવતા કાર્યવાહી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ખોરજ ગામમાં વર્ષ ૨૦૦૪માં મૂળ જમીન માલિકોએ રૃપિયા લઈને પાવર ઓફ એટર્ની કરી આપી હતી અને ત્યારબાદ દસ્તાવેજ કર્યા બાદ પણ આ જમીન અન્યને બારોબાર વેચી દીધી હતી. જે મામલે હાલ અડાલજ પોલીસ દ્વારા ખેડૂતો સહિત કુલ ૧૧ વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હાલ
અમદાવાદના થલતેજ ખાતે રહેતા અને મૂળ ખોરજ ગામના વતની જતીનભાઈ ગોરધનભાઈ પટેલે
ફરિયાદ નોંધાવી હતી કે, તેમના
પરિવારે વર્ષ ૨૦૦૪માં ખોરજ ગામમાં મૂળ આઠ જેટલા જમીન માલિકો પાસેથી અલગ અલગ સર્વે
નંબરની કુલ ૧-૪૬-૬૯ હેક્ટર જમીન ખરીદવા માટે જનરલ પાવર ઓફ એટર્ની લીધી હતી અને જે
માટે રોકડ અને ચેક મળીને ૩૧ લાખ ચૂકવી દીધા હતા ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં આ પાવર ઓફ
એટર્નીના આધારે તેમની માતાના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો પરંતુ મૂળ ખેડૂતો
બચુજી ધનાજી ઠાકોર,શારદાબેન
ધનાજી ઠાકોર, મધુબેન
ધનાજી ઠાકોર,લીલાબેન
ધનાજી ઠાકોર,શાંતાબેન
ધનાજી ગલાજીની વિધવા,ગોવિંદજી
જવાનજી ઠાકોર,કૈલાસબેન
જવાનજી ઠાકોર,ઉષાબેન
જવાનજી ધનાજી ઠાકોરની વિધવા દ્વારા અરુણભાઈ નિમ્બાલકર ગજરે, હેમેન્દ્ર
લીલાચંદ શાહ અને જીજ્ઞોશ લીલાચંદ શાહ સહિતના મૂળ જમીન માલિકો સાથે કાવતરું રચ્યું
હતું. ૨૦૦૭માં અરુણભાઈ ગજરેએ એ જ જમીન માટે અલગ-અલગ નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની
મેળવ્યા હતા. આ બનાવટી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને અરુણભાઈએ ૨ મે, ૨૦૦૭ના રોજ
હેમેન્દ્ર લીલાચંદ શાહ અને જીજ્ઞોશ લીલાચંદ શાહને જમીન વેચવા માટે નોટરાઈઝ્ડ
બાનાખતના કરારો કર્યા હતા. જે અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ સમાધાન પેટે
કરારો રદ કરવા માટે પણ જમીન માલિકોને એક કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતા અને
ત્યારબાદ હેમેન્દ્ર અને જીગ્નેશ શાહને ૫.૮૧ કરોડ રૃપિયા ચૂકવવાનું નક્કી થયું હતું
અને તેમાંથી ૧.૫૫ કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતા ત્યારબાદ પણ તેમની જમીન હડપ
કરવા માટે રિવિઝન અરજીઓ કરવામાં આવી હતી. છેવટે આ અંગે અડાલજ પોલીસ મથકમાં આ ૧૧
વ્યક્તિઓ સામે છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ
કરવામાં આવી છે.