અમદાવાદમાં કારખાનામાં વીજશોકથી મોતનો બીજો બનાવ, વેજલપુર બાદ સરખેજમાં યુવકને કરંટ લાગ્યો
મૃતક યુવકને ઈલેક્ટ્રીકનું કામ નહીં આવડતું હોવા છતાં કારખાનાનો માલિક બ્લોઅરથી એસીના આઉટડોર સાફ કરાવડાવતો
મૃતકના પિતાની ફરિયાદના આધારે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Updated: Sep 9th, 2023
અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં એક યુવકનું કારખાનામાં કરંટ લાગતાં મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે હવે સરખેજમાં પણ કરંટ લાગતાં મજુરનું મોત થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પરિવારે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેમના પુત્રને ઈલેક્ટ્રીકનું કામ નહીં આવડતુ હોવા છતાં કંપનીના માલિક તેને ઈલેક્ટ્રીક બ્લોઅરથી એસીના આઉટડોર સાફ કરવાનું કામ સોંપતા હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેન્દ્રભાઈ પરમાર પરિવાર સાથે ભાવનગરમાં રહે છે. તેમનો મોટો દીકરો કાનજીભાઈ ભાવનગરથી અમદાવાદ આવ્યો હતો અને સરખેજ વિસ્તારમાં એક કારખાનામાં લેબર તરીકે કામ શરૂ કર્યું હતું. કાનજીભાઈના પિતાને તેમના અન્ય દીકરાએ ફોન કરીને કહ્યું હતું કે, કાનજીભાઈ પડી ગયાં છે અને તેમને વાગ્યું છે અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે. જેથી મહેન્દ્રભાઈ અમદાવાદ આવ્યા હતાં અને તેમના દીકરાના મોતના સમાચાર મળ્યા હતાં. ત્યાર બાદ તેનું પોસ્ટમોર્ટમ પતાવીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતાં.
મહેન્દ્રભાઈને જાણવા મળ્યું હતું કે, તેમનો દીકરો કાનજી મોત પહેલાં કારખાનામાં એસીના આઉટડોર બ્લોઅરથી સાફ કરતાં હતાં અને ત્યાં કોઈ શોકતઅલી નામનો માણસ પાણીથી ડેમ્પો ધોતો હતો. ત્યાં જમીન પર પડેલી એસી સાફ કરવાનું બ્લોઅર મશીન ટચ કરતાં જ કાનજીભાઈને કરંટ લાગ્યો હતો અને ત્યાં બેભાન થઈને પડી ગયો હતો. પહેલં તેને નવજીવન હોસ્પિટલ અને બાદમાં જીવરાજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જેથી મૃતક કાનજીભાઈના પિતા મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમના દીકરાને ઈલેક્ટ્રીકનું કોઈ કામ આવડતું નહોતુ અને તે માત્ર મજુર તરીકે કારખાનામાં કામ કરવા માટે આવ્યો હતો. તેમ છતાં કંપનીના માલિકે તેને બેદરકારી પૂર્વક એસીના આઉટડોરનું કામ કરવા આપતાં તેનું શોર્ટ લાગતાં મોત થયું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.