પીંપળજ પાસે વધુ એક હિટ એન્ડ રન ઃ રસ્તો ઓળંગતા આધેડનું મોત

ગાંધીનગર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપર
દુકાને સામાન લેવા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે તેમાં હીટ એન્ડ રનના બનાવવામાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે.
આ સ્થિતિમાં શહેર નજીક આવેલા પેથાપુર મહુડી હાઇવે ઉપર ગઈકાલે સાંજે વધુ એક હિટ
એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં આધેડનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસા ગામના
વતની અને હાલ ગાંધીનગરના પીંપળજ ગામે સેધાજીના બોર ઉપર રહી મજૂરી કામ કરતા
અશ્વીનભાઈ રામાભાઈ મછાર ગઈકાલે સાંજના સમયે રોડ પર આવેલા ગલ્લા પર સામાન લેવા માટે
ઘરેથી નીકળ્યા હતા. સાંજે આશરે સાડા સાત વાગ્યાના સુમારે જ્યારે તેઓ પીંપળજ રોડ
ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે
કોઈ અજાણ્યા વાહન ચાલકે અશ્વીનભાઈને જોરદાર ટક્કર મારી હતી. જે અકસ્માતમાં તેઓ
નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ
અકસ્માત અંગેની જાણ પાડોશમાં રહેતા સુરેશભાઈએ મૃતકના પુત્ર રાજેન્દ્રને કરી હતી.
પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અશ્વીનભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
હતા. રાજેન્દ્ર મછારે આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ
ફરિયાદ નોંધાવી છે.








